Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યના આદિજાતિ મંત્રીએ તાપીના પદાધિકારીઓ અને ઉચ્ચત અધિકારીઓ સાથે કોવિડ-19 સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી

  • May 11, 2021 

રાજ્યના આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા તાપી જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સેવા સદનના મિટીંગ હોલ ખાતે “મારૂં ગામ કોરોના મુકત ગામ”  અંતર્ગત કોવિડ-19ની કામગીરી સંદર્ભે બેઠ્ક યોજી હતી.

 

 

 

 

મંત્રીએ “મારૂં ગામ કોરોના મુકત ગામ” અભિયાન હેઠળ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પ્રબળ લોક જાગૃતિ લાવી જિલ્લાને કોરોના મુક્ત બનાવવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તથા સંક્રમિતોને સઘન સારવાર મળી રહે તે માટે સમગ્રત: પરિસ્થિતિનો તાગ મેળવી ઘનિષ્ઠ આયોજન કરવા પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિગતવાર પરામર્શ કરી રચનાત્મ્ક સુચનો કર્યા હતા.

 

 

 

 

રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19 સંદર્ભે તમામ સુવિધાઓ, ઇંજેક્શન, ઓક્સિજનનો જથ્થો, દવાનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવી લોકોના આરોગ્ય અંગે સતત કાળજી રાખવામાં આવી રહી છે, ત્યારે કોરોનાનું સંક્રમણ જિલ્લાના ગામોમાં ન ફેલાય તેવા સુચારૂ અયોજન કરવા, દરેક વ્યક્તિને સારામાં સારી સારવાર આરોગ્ય સુવિધા મળી રહે, તથા ઓક્સિજનની કોઇ તકલીફ ના પડે, આરોગ્ય સંબંધિત અધ્યતન સેવાઓ દર્દીઓને મળી રહે તેવું આયોજન કરવા સુચનો કર્યા હતા. નાગરિકોની સમસ્યઓનું તાકીદે નિવારણ અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત કોવિડ આઇસોલેશન સેન્ટરમાં જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તેવુ સઘન આયોજન કરવા જણાવ્યું હતું.

 

 

 

 

વધુમાં ધારાસભ્યના ફંડમાંથી રૂપિયા 50 લાખ તેમજ સાંસંદના ફંડમાંથી પણ આરોગ્યની સુવિધા માટે રાજ્ય સરકારે વ્યવસ્થા કરી હોવાનુ મંત્રીએ જણાવ્યું હતું.

 

 

 

 

મંત્રીએ ખાસ કરીને નિષ્ણાંત તબિબોએ કોરોનાને ત્રીજી લહેર આવવા અંગે વ્યક્ત કરેલ સંભાવનાઓના પગલે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન કરીને મેડીકલ પ્રોટોકોલ, ઓક્સિજન વ્યવસ્થા, બેડ તથા ઇંફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ બનાવવા  માઇક્રો પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા કક્ષાએ પણ આ દિશામાં આયોજન થાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. બેઠ્કમાં તાપી જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાતા આરોગ્ય તંત્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા વહિવટી તંત્રની કામગીરીને આ પ્રસંગે બિરદાવી હતી. આ અગાઉ મંત્રીએ જિલ્લા પંચાયતના સભાખંડમાં સંગઠનના પદાધિકારીઓ-કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી કોવિડ-19 અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

 

 

 

 

જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, તાપી જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સામાન્ય બેડ-799 પૈકી 458 ખાલી, ઓક્સિજનયુક્ત -518 બેડ પૈકી-319 ખાલી અને વેન્ટીલેટર વાળા બેડ કુલ-69 પૈકી –42 ખાલી છે. તાલુકાવાર કેસોમાં સૌથી વધુ કેસ વ્યારા તાલુકામાં-248 કેસ અને કુકરમુંડામાં સૌથી ઓછા-05 કેસ, જ્યારે ગ્રામ્ય કક્ષાએ 715 કેસ નોંધાયેલા છે. તથા દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધા પુરતા પ્રમાણમાં છે. રેમડેસિવીર ઇંજેક્શનનો જથ્થો પુરતા પ્રમાણમાં ફાળવવામાં આવ્યો છે. તથા આજની પરિસ્થિતિએ 111903  લોકોને વેક્શિનેશન હેઠળ આવરી લેવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application