બિહારમાં ગંગા નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. જોકે 5 વર્ષો બાદ ફરી એક વાર ગંગા નદીનું જળસ્તર વધતા પટણા સહિત અનેક ગામો જળમગ્ન થયા છે. હાલ નદી કાંઠે આવેલા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે, જે કારણસર હજારો લોકો તેમના ઘર છોડી સ્થળાંતર કરી રહ્યાં છે. આ સ્થિતિ વચ્ચે બિહારના મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ સર્વે કરી અધિકારીઓને તાત્કાલિક બચાવ કામગીરી કરવાના નિર્દેશ આપ્યા છે. ગંગા નદીના કેરના કારણે પટણા જિલ્લાના આશરે એક ડઝન જેટલા ગામો પૂરના પાણીમાં ડૂબ્યાં છે, લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે.
નદીનું પાણી ઓવરફ્લો થઇને નેશનલ હાઇવે 31 સુધી પહોંચી ગયું છે. હાલ હાઇવે પર લગભગ એક ફૂટ ઉંચાઇએ પાણી વહી રહ્યું છે, જે કારણસર હાઇવે પર વાહન વ્યવહાર થંભી ગયું છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં ચોતરફ માત્ર પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. આ ઉપરાંત પૂરના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. લોકો પોતાના ઘરો છોડીને ઉંચાણવાળા વિસ્તારોમાં નિરાશ્રિત બની ખૂલ્લી જગ્યાઓ પર શરણ લઇ રહ્યા છે. બિહારના બખ્તિયારપુરથી મોકામા તરફ જતા નેશનલ હાઇવે 31 પર ગંગા નદી એક ફૂટ જેટલી ઉંચાઇએ વહી રહી છે.
બખ્તિયારપુરમાં પણ નદી કાંઠે આવેલા ગામો પૂરની ચપેટમાં છે. કેટલાક વિસ્તારો તો એવા છે જ્યાંના લોકો સંપૂર્ણ સંપર્કવિહોણા બન્યા છે આ કારણસર તેમના સુધી રાહત પહોંચાડવામાં પણ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. બિહારમાં અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમારે પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઇ સર્વે કર્યું હતું અને અધિકારીઓને રાહત-બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા હતા. નોંધનીય છે કે, ગંગા નદી પાછલા 12 કલાકથી સતત જોખમી સ્તરે વહી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500