‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા. આ પ્રસંગે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અનુરોધ કરતા વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, અગાઉ રોજિંદા ઉપયોગ માટે કાપડની થેલીનું ચલણ હતું. જેનથી પર્યાવરણનું રક્ષણ થતું હતું.
આપણે સૌએ સંકલ્પ કરીને અગાઉની જેમ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ, ઉપરાંત આપણી નૈતિક ફરજ સમજીને ઘરથી શરૂઆત કરીને શેરી, મહોલ્લો, ગામને સ્વચ્છ રાખવા અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં દર સપ્તાહે શ્રમદાન થકી સહભાગી થવાની અપીલ કરી હતી. દરેક દુકાનની બહાર કચરાપેટી રાખવાનો આગ્રહ કરતા વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવવું પડશે. આગામી દિવસોમાં પ્લાસ્ટિકની નકારાત્મક અસરોથી લોકોને બચાવવા ઔદ્યોગિક કંપનીઓના સહકારથી દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું અમારૂ આયોજન છે એમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક ડો.કે. શશીકુમારે જણાવ્યું હતું કે, પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે 'પ્લાસ્ટિક મુક્ત' રાજ્ય અને દેશનું નિર્માણ કરવું જરૂરી છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાના પાણીનું જળસ્તર ધીરે ધીરે વધી રહ્યું છે. જેથી દરિયા કિનારે વસ્તા શહેરો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. તેમજ આપણા રોજિંદા જીવનમાં પરફ્યુમનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જેમાં ક્લોરો-ફ્લોરો કાર્બન(CFC)નો ઉપયોગ થાય છે. જેનાથી ગેસ ઉત્પન્ન થાય છે. જે પશુપક્ષીઓ સહિત જળ જીવો અને માનવ જીવનને વ્યાપક નુકશાન કરે છે. સુરતના ડુમ્મસ દરિયાકિનારામાં વ્યાપક બીચ સફાઈને પરિણામે પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક, બોટલ સહિતનો કચરો એકત્ર થયો હતો જેને યોગ્ય જગ્યાએ નિકાલ કરાયો હતો. નોંધનીય છે કે, સ્વચ્છતા ડ્રાઈવમાં યુવાઓએ સ્વચ્છ અને સુરક્ષિત સમુદ્રના મહત્વને સમજી બીચ સફાઈમાં સ્વયંભૂ જોડાયા હતા. હજીરા અને ભેસ્તાનની શાળાઓના ૯૦૦ વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનની જાગૃતિ દર્શાવતા ચિત્રકામ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે રોકાડ પુરસ્કાર આપી સન્માનિત કરાવ્યા હતા. આ સાથે મહાનુભાવો સહિત સ્વચ્છાગ્રહીઓએ સિગ્નેચર કરી અભિયાનમાં સહભાગિતા દર્શાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500