વીજ લાઈનની મરામત કે ફોલ્ટ સમયે થતા વીજ વિક્ષેપનો સમય નોંધપાત્ર રીતે ઘટવાથી ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળી શકશે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વલસાડ શહેરમાં રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ (RDSS) અંતર્ગત કામગીરીનો શુભારંભ સમારોહ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ શહેરના તિથલ રોડ પર ડીડીઓ બંગલાની બાજુમાં યોજાયો હતો. એલ એન્ડ ટી કંપની દ્વારા પ્રારંભ થયેલી આ કામગીરીથી વલસાડ શહેરના નાગરિકો અને દ.ગુ.વીજ કંપનીના ગ્રાહકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે કંપની તરફથી રૂ.૨૫.૯૮ કરોડના ખર્ચે ૧૩૫ કિ.મી અંડર ગ્રાઉન્ડ કેબલ, રૂ.૦.૬૫ કરોડના ખર્ચે ૧ ફીડરનું વિભાજન તેમજ ૩ રિંગ મેન યુનિટ (RMU) નાંખવા રૂ.૦.૬૯ કરોડના ખર્ચે ૫૭ કિમી એલ.ટી. એબીસી કંડન્કટર નાંખવાની કામગીરી પહેલા તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.
જેનાથી વીજ લાઈનની મરામત કે ફોલ્ટ સમયે થતા વીજ વિક્ષેપનો સમય નોંધપાત્ર રીતે ઘટવાથી ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળી શકશે. વલસાડ શહેરમાં RDSS કામગીરીના શુભારંભ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ દેશના ૧૮ હજાર ગામડામાં લાઈટ ન હતી. પરંતુ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા બાદ જયોતિગ્રામ યોજનાથી તમામ ગામડાને રોશનીથી ઝગમગતા કર્યા. હાલમાં આરડીએસએસ યોજનાનો શુભારંભ થયો છે તે યોજનાનો મુખ્ય હેતુ વીજળીનો બચાવ અને વીજ ચોરી અટકાવવાનો છે. આ સ્કીમ હેઠળ દક્ષિણ ગુજરાત માટે રૂ.૧૪૧૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં વલસાડ જિલ્લા માટે રૂ.૩૨૪ કરોડ ફાળવવામાં આવ્યા છે. વલસાડ શહેરના વિકાસની વાતો કરતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વલસાડમાં ઔરંગા નદીના કાંઠે રિવરફ્રન્ટ બને તે પહેલા બંને બાજુ પાળા બનાવવામાં આવનાર છે. જે કામગીરી આગામી ચોમાસા પહેલા પૂર્ણ કરવાની છે.
વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, વાવાઝોડા દરમિયાન વીજ પોલ તુટી જવાના કારણે તેમજ ટ્રાન્સફોર્મર ફૂંકાય જવાના કારણે વીજ પુરવઠો ખોટકાતો હોય છે પરંતુ તેવા સમયે પણ વીજ કંપનીની ટીમ સતત દિવસ રાત કામ કરી વીજ પુરવઠો કાર્યરત કરે છે. ખાસ કરીને દ.ગુ.વીજ કંપનીમાં વીજ લોસ ફક્ત ૫ ટકા છે, આ સિવાય વિજળીનો બગાડ ઓછો થાય છે, વીજ ચોરી પણ ઓછી થઈ રહી છે. વલસાડ જિલ્લામાં જે પણ વિકાસના કામો થઈ રહ્યા છે તેમાં જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ જ સહકાર હોવાથી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે અભિનંદનને પાત્ર છે. મંત્રીશ્રીએ દેશનું અર્થતંત્ર ૧૦માં ક્રમ પરથી ઈંગ્લેન્ડને પણ પાછળ છોડી પાંચમા ક્રમે આવ્યુ હોવાનું ગર્વભેર જણાવી વધુમાં કહ્યુ કે, વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારતનું અર્થતંત્ર ત્રીજા ક્રમે આવે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. વધુમાં તેમણે વડાપ્રધાનશ્રીએ મારી માટી, મારો દેશ અભિયાન થકી જે દેશ ભાવના લોકોમાં જગાડી છે તેમાં સૌને ભાગ લેવા જણાવી નવરાત્રિ, દિવાળી અને નવુ વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500