સ્ટેટ મોનીટરીંગ સેલનાં અધિકારીઓએ બુધવારે દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખોડીયારનગરની રામદેવપીરની ચાલીમાં દરોડો પાડીને 25 જુગારીઓની ધરપકડ કરી એક લાખની રોકડ, વાહન, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ રૂપિયા 11.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. છેલ્લાં ઘણા મહિનાઓથી આ સ્થળે મોટાપાયે જુગાર રમાડવામાં આવતો હોવા છતાંય, સ્થાનિક પોલીસની કાર્યવાહી ન થતા અનેક સવાલ ઉભા થયા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે, અમરત રબારી (રહે.ખોડીયારનગર, દાણીલીમડા), મોહંમદ રફીક શેખ (રહે.રીલીફ એપાર્ટમેન્ટ,રીલીફ સિનેમા પાછળ, રીલીફ રોડ) અને રવિ દેસાઇ (રહે.હરિ એપાર્ટમેન્ટ, બ્રહ્યક્ષભત્રિય સોસાયટી, પાલડી) દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં ખોડીયારનગરમાં આવેલી રામદેવપીરની ચાલી પાસે મોટાપાયે જુગાર રમાડે છે.
જે બાતમીને આધારે પોલીસે બુધવારે મોડી સાંજે દરોડો પાડતા ત્યાંથી 25 જેટલા જુગાર રમતા જુગારીઓ મળી આવ્યા હતા. પોલીસને સ્થળ પરથી એક લાખ રૂપિયાની રોકડ, ટોકન અને જુગાર સંબધિત અન્ય સામગ્રી મળી આવી હતી. સાથે પોલીસે સ્થળ પરથી 14 ટુ વ્હીલર્સ, 26 મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂપિયા 11.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500