રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજનું પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ડેડિયાપાડામાં ઉજવણીના કાર્યક્રમ દરમિયાન પૂજા વિધિ કરવામાં આવી રહી હતી. જેમાં હાજર રહેલા રાજ્ય કૃષિ પ્રધાન આદિવાસી પરંપરાથી અજાણ હોઇ ધરતીને ધરાવવા માટે આપવામાં આવેલા દારૂને ચરણામૃત સમજીને ભૂલથી ઘૂંટ મારી પી લીધો હતો. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી પરંપરાની માહિતી ન હોવાથી આવું થયું છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં બુધવારે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. જેમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ ઉપરાંત પ્રધાનો અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી દિવસની ઉજવણીમાં ખાસ પરંપરા અનુસાર પૂજા વિધિનું આયોજન કરાયું હતું. આ દિવસે આદિવાસી સમાજ દ્વારા ધરતીમાતાને દેશી દારૂનો અભિષેક કરવાની વર્ષોથી પરંપરા ચાલી રહી છે.
બુધવારે પૂજા વિધિ દરમિયાન પૂજારી દ્વારા હાજર કૃષિ પ્રધાન, નેતાઓ અને સ્થાનિક આગેવાનોને એક પાનમાં દેશી દારૂ આપ્યો હતો. જેને વિધિ અનુસાર ધરતી માતાને ધરાવવામાં આવે છે. અન્ય નેતાઓ અને આગેવાનોએ વિધિ અનુસાર દારૂ ધરતીને ધરાવી દીધો હતો પરંતુ આ અંગે કૃષિ પ્રધાન રાઘવજી માહિતગાર ન હોઇ તેમણે પાનમાં આપવામાં આવેલા દારૂનો ઘૂંટ મારી લીધો હતો. જોકે બાજુમાં ઊભેલા આગેવાને પ્રધાનનું ધ્યાન દોર્યું હતું અને પ્રધાનોએ પાનમાં બાકી રહેલો દારૂ ધરતીને ધરાવ્યો હતો.
આ અંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી પરંપરાઓ વિશે મને વધુ જ્ઞાન નથી. આ પ્રકારની વિધિ અને રિવાજોથી હું અજાણ છું. હું પહેલી વખત અહીં આવ્યો છું. અમારે ત્યાં આ રીતે હાથમાં ચરણામૃત આપતા હોય છે. એટલે મેં ચરણામૃત સમજીને ચાખ્યું હતું, પરંતુ તેને ધરતીને અર્પણ કરવાનું હતું. મને એ વાતનો ખ્યાલ ન હોવાથી આવું થયું છે તેવું તેમણે જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500