કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ.તાપી દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૩ની ઉજવણી અંતર્ગત ઉચ્છલ તાલુકાના ચિતપુર ગામે શ્રીઅન્ન (પોષક અનાજ) વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિતપુર ગામની કુલ ૪૩ આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. વાનગી સ્પર્ધામાં કુલ ૨૫ આદિવાસી મહિલાઓએ ભાગ લઇ વિવિધ મિલેટનો ઉપયોગ કરી પૌષ્ટિક વાનગીઓ બનાવી પ્રદર્શિત કરી હતી. જેમાં આદિવાસી મહિલાઓ દ્વારા જુવાર, નાગલી, બાજરી, કોદરી, ભગર અને સાથે વિવિધ પ્રકારની ભાજી, સીંગદાણા, તલ, મશરૂમ, વાંસ, લીલી શાકભાજી, કઠોળનો ઉપયોગ કરી ટ્રેડિશનલ ડીશ, સુખડી, શીરો, કાંજી, પાતરા, મુઠિયા, હલવો,, વિવિધ ડિઝાઇનના રોટલા, કઠોળ, ભાજીનું શાક, મશરૂમનું શાક, વાંસનું શાક, દેશી ચટણી વગેરે પૌષ્ટિક વાનગી બનાવવામાં આવી હતી.
કાર્યક્રમનાં અધ્યક્ષ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ વાનગી સ્પર્ધામાં ભાગ લીધેલ સર્વે મહિલાઓને અભિનંદન પાઠવી વિવિધ પ્રકારના મિલેટ જેમાં જુવાર, નાગલી, વરીની વિવિધ જાત વિષે માહિતી આપી તેનું ઉત્પાદન વધારવા માટે ભાર મુક્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કલ્યાણીબેન પંડ્યા, તાપી જિલ્લા કાર્યવાહિકા, રાષ્ટ્ર સેવિકા સમિતિએ ઉપસ્થિત મહિલાઓને મિલેટની વિવિધ વાનગીઓનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવા માટે હાંકલ કરી સૌની શ્રીઅન્ન વાનગી બનાવવાની અદભુત કામગીરીને બિરદાવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી સોનીએ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને રાષ્ટ્રીય પોષણ માસનું મહત્વ સમજાવી મિલેટમાં રહેલ વિવિધ પોષકતત્વો વિશે માર્ગદર્શન આપી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને આહારમાં વધુમાં વધુ મિલેટનો ઉપયોગ કરી પોતાના કુટુંબના દરેક સભ્યોની તંદુરસ્તી માટે મહત્વનું યોગદાન આપવા જણાવેલ હતું અને સાથે તેમણે સૌને પોષણ શપથ પણ લેવડાવી હતી.
વધુમાં તેમણે સજીવ ખેતી પર ભાર મુકતા નોવેલ ઓર્ગેનિક ન્યુટ્રીઅન્ટ, સ્યુડોમોનાસના ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રના પશુપાલન વિભાગના વૈજ્ઞાનિક ડૉ.જે.બી.બુટાણી અને વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાતના પ્રમુખ અનિતાદીદીએ ઉપસ્થિત રહી સર્વે મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. મિલેટ વાનગી સ્પર્ધામાં વિજેતા મહિલાઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઇનામ તરીકે નોવેલ ઓર્ગેનિક ન્યુટ્રીઅન્ટ, સ્યુડોમોનાસ, શાકભાજીના ધરૂ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનાં અંતે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી સોનીએ આભારવિધિ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500