સોનગઢ નગરમાં દિન દહાડે ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલા બે ચોરટાઓ પૈકી એક ચોરટા ને લોકોએ ઝડપી પાડી બરાબર નો મેથીપાક આપી સ્થાનિક પોલીસ ને સોંપ્યો હોવાની ઘટના સામે આવી છે,
મળતી માહિતી અનુસાર તા.3જી ફેબ્રુઆરી નારોજ સવાર ના આશરે 10:30 કલાકના અરસામાં સોનગઢના જુનાગામ વિસ્તારમાં આવેલ રહેણાંક કોમ્પ્લેક્ષના એક બંધ ઘરનો દરવાજો તોડી ચોરી કરવા ઘૂસેલા બે ઈસમો પૈકીનો એક ઈસમ ને સ્થાનિક લોકોએ ઝડપી પાડી બરાબર નો મેથીપાક આપી સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. જ્યારે એનો સાથીદાર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
સોનગઢના જુનાગામ મુખ્ય રોડ પર આવેલ સુરજ કોમ્પલેક્ષમાં ઘર નંબર 201 માં રહેતા નરેન્દ્રભાઈ મદનલાલ અગ્રવાલ એમની પત્ની સંતોષબેન સાથે રહે છે.બપોરે નરેન્દ્રભાઈ કામ અર્થે બહાર ગયા હતા અને તેમની પત્ની બજારમાં ગયા હતા. આ સમયે કોમ્પલેક્ષમાં પ્રવેશેલા બે ઈસમો આ બંધ ઘરના દરવાજા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તેમણે કબાટના ખાના ખોલી ચોરી કરવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે જ સંતોષબેન બજારથી પરત ફર્યા હતા અને એમણે ઘરનો દરવાજો ખુલ્લો હોય અને સામાન વેરવિખેર જોતા બુમાબુમ કરી હતી. આથી ગભરાઈ ગયેલ ચોર ઘર માંથી નીકળી ભાગવા માંડયા હતા. જોકે બુમાબુમ કરતા ભેગા થઈ ગયેલ લોકોએ આ પૈકીના એક ચોરને પકડી લીધો હતો. જ્યારે બીજો ભાગવામાં સફળ થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી રંગેહાથ ઝડપાયેલો ચોર અને એમની બાઈક નંબર જીજે/05/એલએસ/1727 જપ્ત કરી લીધી હતી.
આજ ચોરએ નગરમાં જ આવેલ સર્વોદય નગર-1 માં રહેતા ગીરીશભાઈ ઠાકોરભાઈ શાહ ના ઘરના દરવાજાનું લોક તોડી બેડરૂમમાં મુકેલ કબાટ માંથી પુજાના ચાંદીના સિક્કા નંગ-2 તથા રોકડ રૂપિયા 16 હજાર મળી કુલ રૂપિયા 17,500/- મત્તાની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. સ્થાનિક પોલીસે ચોરી ના બે જુદાજુદા બનાવોમાં ગિરીશભાઇ શાહ અને સંતોષબેન અગ્રવાલની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500