સોનગઢ તાલુકામાં આવેલ ગાંધી આશ્રમ ટ્રસ્ટ સોનગઢ સંચાલિત ઉત્તર બુનિયાદી હિંદલા ખાતે આજરોજ વન વિભાગના સીસીએફ સી.કે.સોનવણેના અધ્યક્ષ સ્થાને અને તાપી નાયબ વન સંરક્ષક આનંદકુમાર સહિત મહાનુભાવોની ઉપિસ્થતિમાં સંસ્થાના ૨૮માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમશાળાના પરિસરમાં મહાનુભાવો દ્વારા વડ,પીપળો,અશોક,લીમડો જેવા ૨૫૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સીસીએફ સી.કે.સોનવણેએ સંસ્થાને ૨૯માં વર્ષમાં મંગલપ્રવેશ પ્રસંગે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આપણે જંગલોનું પ્રમાણ વધે તેવા પ્રયાસ કરવા જોઈએ. વધુ વૃક્ષોના વાવેતરથી પર્યાવરણની સમતુલા જળવાશે. આજે કોરોના જેવી મહામારીમાં ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ. વૃક્ષોમાં ભગવાનનો વાસ હોય છે. ફક્ત મનુષ્ય જ નહીં પશુ-પક્ષીઓ સહિત સૃષ્ટિના જીવજંતુઓનું પાલન થાય છે. આપણે જંગલોમાં ખેડાણ ન થાય તેની તકેદારી રાખવાની છે. આશ્રમ જીવનની કેળવણી એટલે શિક્ષણ,સંસ્કાર અને ચારિત્ર્યનું ઘડતર. અહીં તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સાચુ શિક્ષણ મળે છે.
નાયબ વન સંરક્ષક આનંદકુમારે ટ્રાઈબલ વિસ્તારમાં વર્ષો પહેલા શિક્ષણનો સેવાયજ્ઞ શરૂ કરનાર ટ્રસ્ટીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આપણાં શરીરમાં ઈમ્યુનિટી વધારવા માટે વૃક્ષો લાભદાયી બન્યા છે. જેથી વૃક્ષો વાવવા એ જ સોલ્યુશન છે. આપણે કુદરતી નિયમોનુ પાલન નથી કર્યું એટલે કોરોના જેવી મહામારી સામે ઝઝુમવુ પડે છે.
સંસ્થાના પ્રમુખએ સૌનું સ્વાગત કરતા કહયું હતું કે આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચુ હતું ત્યારે અમારા વડીલોએ સૌના સહયોગથી શિક્ષણની જ્યોત જગાવી આજે વટવૃક્ષ બનીને પાંગરી છે. જે અમારા માટે ગૌરવની વાત છે.
આ પ્રસંગે મદદનીશ વન સંરક્ષક ગુપ્તા,આર.એફ.ઓ.માર્ટીના ગામીત,ટ્રસ્ટી લીલાબેન દોણવાલા,મગનભાઈ,પીન્ટુભાઈ દુબે,ઉ.બુ.હિંદલાના આચાર્ય બિંદુબેન દેસાઈ,મુકેશભાઈ શાહ, નગીનભાઈ વસાવા,હિંદલા હાઈસ્કુલ-સ્ટાફ,મલંગદેવ રેંજ ફોરેસ્ટ સ્ટાફ સહિત ગ્રામજનો ઉપિસ્થત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેથાબેન ગામીતે કર્યુ હતું. ઓક્સિજનયુક્ત વૃક્ષો વાવવાના સંદેશ સાથે આભારદર્શન મુકેશભાઈ શાહે કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500