સોનગઢ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા કોંગ્રેસના ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
સોનગઢ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય આનંદભાઈ અને સુનીલભાઈને રવિવારે આવેદનપત્ર પત્ર આપી કરવામાં આવેલ રજૂઆત મુજબ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘએ રાષ્ટ્રીય સ્તર પર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલ છે. રચનાત્મક અભિગમ સાથે શિક્ષણમાં સારા પરિણામો મેળવવા તાલુકા, જિલ્લા,રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અમારા સંગઠનો કામ કરી રહ્યા છે. તારીખ ૦૧/૦૪/૨૦૦૫ થી નવી પેન્શન યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ૦૧/૦૪/૨૦૦૫ પહેલા નોકરીમાં જોડાયેલા અમારા શિક્ષકો જુની પેન્શન યોજના મેળવવા માટેના હકદાર છે જ, પરંતુ તારીખ ૦૧/૦૪/૨૦૦૫ પછી સેવામાં જોડાયેલા શિક્ષકોને પણ જુની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ કારણ કે, ૩૦ થી ૩૫ વર્ષ જેટલી નોકરી પુર્ણ કરી જ્યારે શિક્ષક નિવૃત્ત થાય છે ત્યારે અમારા શિક્ષકને નવી પેન્શન યોજનામાં નજીવી રકમ પેન્શન રૂપે મળે છે,
જે રકમથી શિક્ષકને પરિવાર સાથે ગુજરાન ચલાવવું ખૂબ કપરું થઈ પડે છે. આ બાબતે જુની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરે અમો આંદોલન કાર્યક્રમો ચલાવી રહ્યા છીએ. અગાઉ માનનીય રાષ્ટ્રપતિશ્રી,માનનીય વડાપ્રધાન અને માનનીય શિક્ષણમંત્રીને જુની પેન્શન યોજના ચાલુ કરવા રજૂઆત કરવામાં આવેલ છે. આ સંદર્ભે દિલ્હી જંતરમંતર ખાતે ધરણાં તથા આંદોલન કાર્યક્રમો પણ કરવામાં આવેલ છે, રજૂઆતો અને આંદોલનના પરિણામ સ્વરૂપ કેટલાક રાજ્યોમાં જુની પેન્શન યોજનાની અમલવારી કરવામાં આવી રહી છે. હાલ આપણાં રાજ્યમાં નવી પેન્શન યોજના અમલી છે. તેની જગ્યાએ અન્ય રાજ્યોની જેમ જુની પેન્શન યોજના ચાલુ કરવા માટે ગુજરાતના બે લાખ પ્રાથમિક શિક્ષકોની લાગણી આ આવેદન સાથે રજુ કરીએ છીએ અને સરકાર સુધી અવાજ પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500