મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે ઉચ્છલથી સોનગઢ આવતાં રોડ ઉપર પોલીસે વાહન ચેકીંગ દરમિયાન બે ઈસમોને કારમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવાપુર તરફથી એક સફેદ કલરની કાર જેના આગળનાં કાચ પર લાલ સફેદ કલરનાં રેડિયમથી Ruhi લખેલ છે અને તે કારમાં બે ઈસમો નવાપુર તરફથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આવી રહેલ છે. જે બાતમીનાં આધારે તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢનાં નવા આર.ટી.ઓ. ખાતે આવી અલગ-અલગ ટીમો બનાવી ઉચ્છલ તરફથી આવતા વાહન ચેકિંગમાં ઉભા હતા. તે દરમિયાન ઉચ્છલ તરફથી બાતમીવાળી કાર આવતા જોઈ પોલીસે આયોજન પૂર્વક કોર્ડન કરી કારને રોકાવી રોડની સાઈડમાં ઉભી રખાવી હતી.
ત્યારબાદ પોલીસે કારમાં ચેક કરતા કારની પાછળની સીટનાં ભાગે અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની પેટીઓ મળી આવી હતી જેમાં બોટલો અને ટીન મળી કુલ 816 બોટલો મળી આવી હતી. જોકે પોલીસે કારમાંથી બંને ઈસમોને નીચે ઉતારી કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, અર્જુન જગનભાઈ વણઝારા (રહે.રૂમકીતળાવ ગામ, રામ મંદિર ફળિયું, તા.નિઝર) અને બાજુમાં બેસેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ. ચંદ્રેશ ભગવાનભાઈ ખત્રી (રહે.નવાપુર)નાં હોવાનું જણાવ્યું હતું.
જયારે આ પ્રોહી. મુદ્દામાલ વિશે વધુ પૂછતા પોલીસને જાણવા મળ્યું હતું કે, આ દારૂનો મુદ્દામાલ નવાપુર ખાતે રહેતો સુનિલકુમાર ટી.એસ. ઉર્ફે જેના પુરા નામની ખબર નથી તેણે ભરી આપ્યો હતો. આમ, પોલીસે કાર જેની કિંમત રૂપિયા 3 લાખ, ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 81,600/- અને 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 3,94,600/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી જગદીશભાઈ બીશ્નોઈની ફરિયાદનાં આધારે ઝડપાયેલા બંને ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે નવાપુરનાં ઈસમને વોન્ટેડ જાહેર કરાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500