કાશ્મીરનાં પર્વતીય વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા થઇ હતી અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટુરિસ્ટ રિસોર્ટ ગુલમર્ગમાં લઘુતમ તાપમાન ઘટીને માઇનસ 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ગુલર્મગ ટુરિસ્ટ રિસોર્ટ, માછિલ, સાધના પાસ અને ઝોજિલા પાસમાં રવિવાર સવારે 8.30 સુધીમાં 3 ઇંચથી વધુ બરફ વર્ષા થઇ હતી.
જયારે લદ્દાખના દ્રાસમાં પણ બરફ વર્ષા થઇ હતી. બીજી તરફ રવિવાર સવારે 8.30 વાગ્યા સુધીમાં શ્રીનગરમાં 27 મીમી, બારામુલ્લામાં 23 મીમી, બાંદીપોરામાં 22 મીમી, કુલગામ અને બડગામમાં 21 મીમી અને પુલવામામાં 20 મીમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. બરફ વર્ષાને કારણે કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડતો વૈકલ્પિક માર્ગ મુઘલ રોડ વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
જોકે વરસાદ છતાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે ચાલુ રાખવામાં આવ્યો હતો અને અહીં ટ્રાફિક સામાન્ય જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપને કારણે 10 નવેમ્બર સુધી રાજ્યના પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500