રાજસ્થાનમાં ફરી એક ગંભીર અકસ્માત સર્જાયાના અહેવાલો મળી રહ્યા છે. આ અકસ્માત નવા બનેલા ફલોદી જિલ્લામાં થયો છે. અહીં બોલેરો અને કન્ટેનર વચ્ચેની ભીષણ ટક્કર થતાં એક મહિલા સહિત 6 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત બાદ બોલેરોનો કચ્ચઘાણ નિકળી ગયો છે, તો મૃતદેહો પણ રસ્તા પર વેરવિખેર પડ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકો રામદેવરા બાબાના દર્શન કરીને ફલોદી પરત ફરી રહ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો એક જ પરિવારના હોવાની માહિતી મળી છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, ગતરોજ બપોરે 3 વાગ્યની આસપાસ ફલોદી જિલ્લામાં નેશનલ હાઈવે નં.11 પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
અહીં ખારા ગામ પાસે ભક્તોથી ભરેલી બોલેરો કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર 6 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં એક મહિલા અને 5 પુરૂષોનો સમાવેશ થાય છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક ફલોદીની જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા છે, જ્યાં તેની સારવાર શરૂ કરાઈ છે. જ્યારે તમામ મૃતદેહોને ફલોદી હોસ્પિટલમાં લઈ જવાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો લોરડિયા નજીક જુનેજોના રહેવાસી હોવાની માહિતી મળી છે. ત્યાંથી એક પરિવારના સભ્યો રામદેવ બાબાના દર્શન કરવા જેસલમેરના રામદેવરા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. ઉલ્લેખનીય છે કે, 3 દિવસ પહેલા રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક ગંભીર રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500