સુરત જિલ્લામાં આપધાતનો સિલસિલો યથાવત રહેતા વધુ છ બનાવોમાં પાંડેસરા અને લિંબાયતમાં ૧૭ વર્ષીય બે તરૃણી, પુણા, સચિન અને કતારગામમાં ત્રણ મહિલા તથા લિંબયાતમાં રત્નકલાકારે આત્મહત્યા કરી હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, પાંડેસરામાં જય અંબેનગરમાં રહેતી ૧૭ વર્ષીય પ્રિયાકુમારી નાગેન્દ્ર પાસવાન ગુરુવારે સાંજે ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જયારે તે મુળ બિહારની વતની હતી. તેના પિતા કાપડના યુનિટમાં સુપરવાઇઝર હતા. તેને બે ભાઇ અને એક બહેન છે. બીજા બનાવમાં લિંબાયતમાં નવી કમરૃનગરમાં બિલ્ડીંગમાં રહેતી ૧૭ વર્ષીય સુહાનાપરવીન મુનાફભાઇ કુરેશી ગત સાંજે ઘરમાં અગમ્ય કારણસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
જયારે તે મુળ આંણદના બોરસદની વતની હતી. તે ધાગા કટીંગનું કામ કરતી હતી. તેના પિતા સંચાખાતામાં કામ કરે છે. તેના ૩ ભાઇ અને ૧ બહેન છે. ત્રીજા બનાવમાં પુણામાં શંગુન રેસીડન્સીમાં રહેતા ૪૩ વર્ષીય શોભાબેન હિતેશ ગોહિલ ગત સવારે ઘરમાં એસીડ ગટગટાવી જતા સારવાર માટે પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સુત્રોએ કહ્યુ કે, શોભાબેન મુળ ભાવનગરમાં મહુવાના વતની હતા. જોકે તેમણે ગૃહકંકાસમાં આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેમના પતિ અને પુત્ર કાપડની દુકાન ચલાવે છે. ચોથા બનાવમાં કતારગામમાં ગોટાલાવાડી ખાતે રેલ રાહત કોલોનીમાં રહેતી ૩૦ વર્ષીય ડોલી ગત રાતે ઘરમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો.
પોલીસે કહ્યુ કે, તે મુળ મધ્યપ્રદેશની વતની હતી. જોકે ૨૦થી૨૫ દિવસ પહેલા તે પતિ સાથે કતારગામ ખાતે ભાંડે રહેવા આવ્યા હતા. જોકે તેમના પતિ ૧૦થી૧૫ દિવસ પહેલા ત્યાંથી કોઇ કારણસર ચાલ્યા હતા. આવા સંજોગોમાં ગૃહ કંકાસમાં આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે પણ હકીકત તપાસ બાદ જાણવા મળશે. પાંચમાં બનાવમાં સચિનમાં સુડા સેકટર સાંઇનાથ ખાતે રહેતી ૨૩ વર્ષીય મધુદેવી વિશાલ રાજપુત ગત રાત થી આજે સવાર દરમિયાન ઘરમાં કોઇ કારણસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તે મુળ ઉતરપ્રદેશમાં જોનપુરની વતની હતી. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિ છુટક મજુરી કામ કરે છે. છઠ્ઠા બનાવમાં લિંબાયતમાં નીલગીરી ગ્રાઉન્ડ પાસે શ્રીનાથ સોસાયટીમાં રહેતો ૨૫ વર્ષીય સંજય રમેશ પાટોળે ગત સાંજે ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં લોખંડના હુક સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. જયારે તે મુળ મહારાષ્ટ્રના વતની હતો. તે રત્નકલાકારનું કામ કરતો હતો. તેના બે ભાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500