વૉટ્સઅપમાં કરવામાં આવતા મેસેજ મોકલનાર અને મેળવનાર સિવાય કોઈ વાંચી શકતું નથી, એવો વૉટ્સઅપ અને તેની માલિકી ધરાવતી કંપની ફેસબૂકનો દાવો છે. સાયબર સિક્યુરિટી નિષ્ણાતો એ દાવો માનતા નથી.
રાજશેખર રાજાહારિઆ નામના સાઈબર એક્સપર્ટે આધાર-પુરાવા સાથે ટ્વિટ કરી હતી. રાજશેખરે વૉટ્સઅપ ચેટની લિન્ક, વૉટ્સઅપ વપરાશકારના નંબર ગૂગલ પર ઉપલબ્ધ હોવોના સ્ક્રીનશૉટ મુક્યા હતા. આ પ્રકારે ડેટા લિક થવાથી વૉટ્સઅપ વપરાશકાર સાથે હેકિંગ થવાનો ભય રહે છે.
દિલ્હી હાઈકોર્ટમાં વૉટ્સઅપની નવી પોલિસી વિરૂદ્ધ અરજી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે આજે આ અરજી રદ કરતા કહ્યુ હતુ કે વૉટ્સઅપનો વપરાશ ફરજિયાત નથી, સ્વૈચ્છીક છે. લોકો પોતાની મરજીથી વૉટ્સઅપ વાપરે છે.
જેમને વૉટ્સઅપની પોલિસી સામે વાંધો હોય કે પ્રાઈવસીની ફરિયાદ હોય તેમણે વૉટ્સઅપનો વપરાશ બંધ કરી દેવો જોઈએ. કોર્ટે કહ્યુ હતુ કે ગૂગલ મેપ અને અન્ય ઓનલાઈન સર્વિસો ડેટા એકઠો કરે જ છે, કોના કોના પર પ્રતિબંધ મુકવો?
જોકે યુઝર્સ હવે સતર્ક થયા છેે અને વૉટ્સઅપની ગૂંચવાડાભરી તથા વિવાદાસ્પદ પોલિસીથી કંટાળ્યા પણ છે. માટે સિગ્નસ તથા ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ તરફ વળ્યા છે.
સિગ્નલના સ્થાપક બ્રાયન એક્ટને એક મુલાકાતમાં કહ્યુ હતુ કે વૉટ્સઅપ વિવાદ પછી અમને સૌથી વધુ ડાઉનલોડિંગ ભારતમાંથી મળી રહ્યું છે. ભારતના નાગરિકો પ્રાઈવસી અંગે સાવધાન છે એ આનંદની વાત છે. તેમણે કહ્યુ હતુ કે સિગ્નલ ડાઉનલોડ કરવાનું પ્રમાણ સતત વધી રહ્યુ છે.
બ્રાયને કહ્યુ હતુ કે સિગ્નલ એપ એવી છે, જે યુઝર્સના નંબર સિવાય કોઈ વિગત માંગતી નથી. શેર થતા ફોટો, વિડીયો, ઓડિયોે, ચેટ વગેરેની જાસૂસી કરવાનું અમારે કારણ નથી, કેમ કે અમે કંપની નહી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, જે ડોનેશન પર ચાલે છે. અમારે યુઝર્સનો ડેટા વેચીને કમાણી કરવાની આવશ્યકતા નથી.
એક્ટને એ વાત પણ ઉમેરી હતી કે અત્યારે દસ ભાષામાં ઉપલબ્ધ છે. તેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. જ્યારે ભારત માટે ખાસ વોલપેપર અને એનિમેટેડ સ્ટિકર અમારે વિકસાવવા પડયા કેમ કે તેની મોટી ડિમાન્ડ હતી. હજુ તેના પર કામ ચાલે જ છે. એ ઉપરાંત જરૂર મુજબના અન્ય ફિચર્સ પણ ટૂંક સમયમાં ઉમેરાશે.
રાજશેખરે પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કેે વૉટ્સઅપ ચેટ ગૂગલમાં મળી આવી તેનું કારણ ગૂગલ અને ફેસબૂક બન્ને પક્ષની બેદરકારી છે. એટલે વૉટ્સઅપ-ફેસબૂક સલામત હોવાનો દાવો કરે છે, પણ ખરેખર સલામતી માટે કોઈ નક્કી કામગીરી થતી નથી એવુ કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ પછી બીજી વખત સાબિત થયુ છે.
વૉટ્સઅપની ગરબડથી કંપનીઓમાં ચિંતા
વૉટ્સઅપનો ઉપયોગ વિવિધ કંપનીઓ પોતાના ગ્રાહકોને સર્વિસ આપવા માટેે કરતી થઈ છે. કંપનીઓ દ્વારા પોતાના ગ્રાહકોને કેટલીક મહત્ત્વની માહિતી વૉટ્સઅપ દ્વારા પહોંચાડવામાં આવતી હોય છે. પરંતુ પ્રાઈવસી મુદ્દે વૉટ્સઅપની બેદરકારીથી કંપનીઓ પણ ચિંતિત થઈ છે.
કંપનીઓ દ્વારા પણ વૉટ્સઅપના વિકલ્પ તરીકે કઈ એપ વાપરી શકાય તેની તપાસ ચાલુ થઈ છે. કેટલીક કંપનીઓએે પોતાની પ્રતિષ્ઠા માટે વૉટ્સઅપની સલામતી અંગે સ્વતંત્ર તપાસ પણ શરૂ કરાવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500