Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભૂકંપનાં કારણે તિબેટનું સૌથી પવિત્ર શહેરોમાંનું એક શિગાત્સે શહેર જાણે કાટમાળમાં ફેરવાઈ ગયું

  • January 08, 2025 

તિબેટમાં સાતમી જાન્યુઆરીએ 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ પછી અહીંના સૌથી પવિત્ર શહેરોમાંનું એક શિગાત્સે શહેર જાણે કાટમાળમાં ફેરવાઈ ગયું છે. આ ભૂકંપમાં 126 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુને ઈજા થઈ છે. આ દુર્ઘટનાનો મૃત્યુઆંક હજુ વધી શકે એમ છે કારણ કે, આ દુર્ઘટનામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે, જેનો કાટમાળ હટાવવાનું હજુ ચાલુ છે. આ ભૂકંપ વખતે ફક્ત નવ કલાકમાં 100થી વધુ આંચકા અનુભવાયા હતા. જેના કારણે અનેક ઈમારતો ધ્રૂજવા લાગી હતી અને લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. તિબેટમાં આવેલા ભૂકંપના કેન્દ્રની આસપાસ કુલ 27 ગામ છે અને તેની કુલ વસ્તી 61 હજાર જેટલી થાય છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ધ્વસ્ત બિલ્ડિંગ, કાટમાળ, તૂટી ગયેલા રસ્તાઓ અને કાર જોઈ શકાય છે.


આ ભૂકંપે ઠેર-ઠેર તારાજી સર્જી છે. આ ભૂકંપ અત્યંત ઊંચા વિસ્તારોમાં આવેલો હોવાના કારણે મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) એ જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા 6.8 હતી, જ્યારે યુએસ જિયોલોજિકલ સર્વિસ (USGS)એ ભૂકંપની તીવ્રતા 7.1 દર્શાવી હતી. પ્રાદેશિક આપત્તિ રાહત મુખ્યમથકના જણાવ્યા પ્રમાણે ભૂકંપ મંગળવારે સવારે 9:05 વાગ્યે (બેઈજિંગ સમય પ્રમાણે) ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના શિગાત્સેમાં ડિંગરી કાઉન્ટીમાં આવ્યો હતો. તેનું કેન્દ્ર શિગાત્સે શહેરના ડિંગરી કાઉન્ટીના સોગોમાં હતું.


શિગાત્સે ઉત્તર-પૂર્વ નેપાળમાં ખુમ્બુ હિમાલય પર્વતમાળામાં લોબુત્સેથી 90 કિમી દૂર ઉત્તર-પૂર્વમાં આવેલું છે અને તે તિબેટનું છેલ્લું સરહદી શહેર છે, જે નેપાળ-તિબેટ-ભારત ટ્રાઈ-જંક્શનથી દૂર નથી. આ વિસ્તાર સિક્કિમને મળે છે. શિગાત્સે ભારતીય સરહદની નજીક છે. શિગાત્સેને તિબેટના સૌથી પવિત્ર શહેરોમાંનું એક માનવામાં આવે છે. તે પંચેન લામાની પરંપરાગત પીઠ છે, જે તિબેટીયન બૌદ્ધ ધર્મના પ્રમુખ વ્યક્તિ છે. તિબેટમાં પંચેન લામા, આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા બાદ બીજા નંબરનું સ્થાન ધરાવે છે. CENCએ જણાવ્યું કે, ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યાં અનેક ઈમારતોને નુકસાન થયું હતું.


જોકે, ત્યાં કોઈ જાનહાનિ નથી થઈ. ચાઈનીઝ ટેલિવિઝન પર પ્રસારિત થયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે, બાળકો સહિત લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા અને સ્ટ્રેચર પર મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ભૂકંપ બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓએ જણાવ્યું કે, 3,400થી વધુ બચાવ કર્મચારીઓ અને 340થી વધુ તબીબી કર્મચારીઓને ભૂકંપથી અસરગ્રસ્ત ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે અસરગ્રસ્ત ક્ષેત્રમાં રાહત અને બચાવ કામગીરી માટે શક્ય તમામ પ્રયાસો કરવાનો આદેશ આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application