Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાત્રક, માઝૂમ, જવાનપુરા, હરણાવ, લાંક, વૈડી સહિત સાત જળાશયો હાઈ એલર્ટ મોડ ઉપર મૂકાયા

  • September 04, 2024 

એક સપ્તાહના વિરામ બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. ત્રીજી સપ્ટેમ્બરની રાત્રિથી વરસી રહેલાં ભારે વરસાદ બાદ જળાશયોમાં ભરપૂર પાણીની આવક નોંધાતાં વાત્રક, માઝૂમ, જવાનપુરા, હરણાવ, લાંક, વૈડી સહિત 7 જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મૂકાયા છે. સપ્ટેમ્બરની સ્થિતિએ રૂલ લેવલ જાળવવા જળાશયોના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેથી, કેટલાક તાલુકાઓના નદી કિનારાના ગામોને સાવધ કરવામાં આવ્યા છે. એક સપ્તાહમાં વરસાદના તોફાની રાઉન્ડના કારણે ફરી નદી કિનારાના ગામો સાવધ કરવાની નોબત આવી છે.


ઓડિશાની ડિપ્રેશનની અસર હવે જિલ્લાના વાતાવરણમાં જોવા મળી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ સોમવારની સમી સાંજથી કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતાં જિલ્લામાં હવે અતિવૃષ્ટિની ચિંતા તંત્ર માટે પડકારરૂપ બની શકે છે. જિલ્લામાં સ્થાનિક ઉપરાંત ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હોવાથી જિલ્લાના વાત્રક, ગુહાઈ, માઝૂમ, હાથમતી, લાંક, જવાનપુરા, હરણાવ, મેશ્વો, વૈડી, ખેડવા, વરાંસી અને ગોરઠિયા જળાશયમાં 300થી 24,000 ક્યુસેક સુધી પાણી આવક મંગળવાર સવારે 10 વાગ્યા સુધીમાં નોંધાઈ હતી.


જળાશયોમાં પાણીનો ધસમસતો પ્રવાહ શરૂ થતાં ડેમની રૂલ સપાટી જાળવવા માટે દરવાજા ખોલવાની પણ ફરજ પડી છે. જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. હરણાવ જળાશયના ઉપરવાસમાંથી પાણીની આવક વધુ રહી છે, જેથી 225 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે વિજયનગર, ખેડબ્રહ્મા તાલુકાના નદી કિનારાના ગામોને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે વાત્રક જળાશયમાં પ્રતિ કલાકે પાણીની વધતી આવકના કારણે 24,672 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.


જિલ્લામાં વરસાદના નવા રાઉન્ડ સાથે જળાશયોમાં પાણીની ધસમસતી આવક શરૂ થઈ છે, જેના કારણે તંત્રને ગેટ ખોલીને પાણી છોડવાની ફરજ પડતાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. વાત્રક જળાશયમાંથી 24,672 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં વાત્રક નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. વાત્રક નદી બેકાંઠે વહેતી થતાં અનેક લોકો નદીના જીવંત સ્વરૂપને જોવા માટે ઉમટ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application