સુરત એલ.સી.બી. પોલીસે પૂર્વ બાતમીને આધારે થલા ગામે રેઈડ કરીને જાહેરમાં જુગાર રમી રહેલા સુરતના કોન્ટ્રાક્ટર સહિત સાત વેપારીઓને ઝડપી પાડયા હતા. આ સાથે જ પોલીસે સ્થળ પરથી ૧૩.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ, કામરેજના થલા ગામની સીમમાં આવેલ ગૌચરની જગ્યામાં જાંબુડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસા વડે ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી સુરત જિલ્લા એલસીબીને મળી હતી.
જે બાદ એલ.સી.બી.ની ટીમે તે સ્થળ પર છાપો મારતા ત્યાં જૂગાર રમનારાઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે કોર્ડન કરી સાત જૂગારીને ઝડપી પાડયા હતા. આમ, પોલીસે બનાવના સ્થળેથી ૩૯,૨૧૦ રોકડા, ૪૦ હજારની કિંમતના ૭ મોબાઇલ ફોન, ૧૩ લાખ કિંમતની ૨ ગાડી મળી કુલ ૧૩.૭૯ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ સાથે જ પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ભૂપત વલ્લભપડુક, શરદ જીવણ પડુક, લશ્કર મનજી સમાડીયા, સુકેતુ પીર ડોબરીયા, પરેશ દેવસંગ સોજીત્રા, અરવિંદ ભુરા પડુક તથા અશોક ભોળા વીરડિયા નાઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500