પ્રાદેશિક માહિતી કચેરી-સુરતના વર્ગ-૪માં ફરજ બજાવતા સેવકશ્રી ભૂપેન્દ્ર જરીવાલા વયનિવૃત્ત થતા માહિતી પરિવાર દ્વારા ભાવભર્યું નિવૃત્તિ વિદાયમાન અપાયું હતું.
શ્રી જરીવાલા તા.૧૮/૫/૧૯૮૫માં સુરત માહિતી કચેરીમાં પ્યુન તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. ૩૯ વર્ષની સુદીર્ઘ, યશસ્વી અને સેવાનિષ્ઠ ફરજ બજાવી નિવૃત્ત થયેલા શ્રી જરીવાલાને નાયબ માહિતી નિયામકશ્રી નિખિલેશ ઉપાધ્યાય, નાયબ માહિતી નિયામક(ભરૂચ) સુશ્રી ભાવના વસાવા, ઈ.સહાયક માહિતી નિયામકશ્રી મહેન્દ્ર વેકરિયા, સહાયક અધિક્ષક અનિલાબેન લાડ, સિનીયર સબ એડિટરશ્રી પરેશ ટાપણીયા, ટેકનિકલ સુપરવાઈઝરશ્રી નરેશ પટેલ, માહિતી મદદનીશ વૈભવી શાહ અને અભિષેક ગામીત, સિનીયર ક્લાર્ક જિતેન્દ્ર વસાવા, સેવક પ્રકાશ વાર્લેકર સહિતના અધિકારી-કર્મચારીઓ અને સ્ટાફગણે શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી નિખિલેશ ઉપાધ્યાયે તેમની સરકારી સેવા દરમિયાન કાર્યનિષ્ઠ ફરજને બિરદાવતા જણાવ્યું હતું કે, શ્રી જરીવાલાએ ફરજ પ્રત્યે હંમેશા સભાન રહી કાર્યદક્ષ સેવક તરીકે શ્રેષ્ઠ કામગીરીથી આગવી છાપ છોડી છે. વ્યક્તિ નોકરીમાંથી નિવૃત્તિ લે છે, પરંતુ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ ક્યારેય લેતો નથી એમ જણાવી નિવૃત્તિ પછીના તેમના સુખમય અને પ્રવૃત્તિમય જીવનની આકાંક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સુરત માહિતી પરિવારે શ્રી જરીવાલા સાથેની ફરજના સંસ્મરણો વાગોળી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી તેમનું નિવૃત્તિ જીવન સદાય નિરોગી, સુખમય અને સતત પ્રવૃત્તિમય બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. જરીવાલાએ ફરજ દરમિયાન તેમને સહયોગી થયેલા તમામ અધિકારી-કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500