Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગંભીર અકસ્માત : ખાનગી બસ અને ટ્રક ટકરાતાં બસમાં ભીષણ આગ, માસૂમ બાળક સહિત 12 પ્રવાસી જીવતા ભૂંજાયા

  • October 09, 2022 

મહારાષ્ટ્રનાં હાઈવે પર જીવલેણ અકસ્માતનો સિલસિલો ચાલુ જ છે. મુંબઈ આવી રહેલી ખાનગી બસ અને ટ્રક નાશિકમાં ટકરાયા બાદ બસમાં ભીષણ આગ લાગતા માસૂમ બાળક સહિત 12 પ્રવાસી જીવતા ભૂંજાયા હતા. આગમાં જીવ બચાવવા અમુક પ્રવાસી સળગતી હાલતમાં બસની બહાર રસ્તા પર દોડી આવ્યા હતા. આ બનાવમાં 43 પ્રવાસીઓ દાઝી ગયા હતા. આગમાં બસ સળગીને ખાક થઈ ગઈ હતી.




જ્યારે કેટલાક મૃતદેહ સળગીને રાખ થઈ ગયા હતા. બસની બારીમાંથી બહાર કૂદકો મારતા અમુક પ્રવાસી બચી ગયા હતા. આ કમકમાટીભરી ઘટનાની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ શોકની લાગણી વ્યક્ત કરી હતી. પ્રત્યેક મૃતકના પરિવારને મોદીએ 2 લાખ રૂપિયા અને શિંદેએ 5 લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાને અકસ્માતની ઝીણવટભરી તપાસનો આદેશ આપ્યો હતો. ચિંતામણી ટ્રાવેલ્સની ખાનગી બસ યવતમાળથી મુંબઈ આવી રહી હતી. નાશિક-ઔરંગાબાદ હાઈવે પર નાંદુરનાકા, હોટેલ મિરચી ચૌક પાસે સવારે 5.15 વાગ્યે બસ કોલસાની ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ હતી.




ત્યારબાદ બસ એક મિની કાર્ગો વેન સાથે ટકરાઈ હતી જેથી બસમાં આગ ભભૂકી હતી. ટ્રકની ડીઝલની ટાંકી ફૂટતા આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગ લાગી તે સમયે મોટાભાગનાં પ્રવાસીઓ સૂતા હતા. પણ અચાનક જોરદાર અવાર થતા પ્રવાસીઓની ઊંઘ ઉડી ગઈ હતી. આગે વિકરાળરૂપ લેતા પ્રવાસીઓ આગની લપેટમાં સપડાયા હતા. અમુક પ્રવાસીએ બસની બારીમાંથી બહાર કૂદકો માર્યો હતો. જ્યારે કેટલાક જણ સળગતી હાલતમાં રસ્તા પર દોડી આવ્યા હતા.




ઘટનાની માહિતી મળતા પોલીસ, ફાયરબ્રિગેડન ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી. તેમણે ભારે જહેમત બાદ આગ બૂઝાવી હતી. અન્ય પ્રવાસીને સુરક્ષા માટે વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો. આ બનાવમાં બસ સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી. આગ એટલી તીવ્ર હતી કે સ્થાનિક લોકો થોડા સમય માટે પ્રવાસીઓને બચાવવા માટે કંઈ પણ કરી શક્યા નહોતો. તેમની નજર સામે જ પ્રવાસીઓને કાળ ભરખી ગયો હતો.




આ આગની ઘટનામાં 12 પ્રવાસીના મૃત્યુ થયા હતા જ્યારે 43 જણ દાઝી ગયા હતા. નાશિક સિટી લિંક બસ સેવાના માધ્યમથી ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ આગ લાગ્યા બાદ પ્રવાસીઓને સમયસર મદદ ન મળી હોવાની ચર્ચા પણ થઈ રહી હતી. આ દુર્ઘટના બાદ ટ્રકનો ડ્રાયવર નાસી ગયો હોવાનું કહેવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે 'નાશિકની બસ દુર્ઘટનાથી દુઃખી છું. આ દુર્ઘટનામાં પોતાના કુટુંબીજન ગુમાવનારા માટે દુઃખની લાગણી વ્યક્ત કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે. પ્રત્યેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા અને જખમીને 50 હજાર રૂપિયાની મદદ આપવામાં આવશે.




મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આજે બપોરે 1 વાગ્યે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે 'અકસ્માતની તપાસ કરવામાં આવશે. એના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી શિંદેએ પ્રત્યેક મૃતકના કુટુંબને 5 લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી. આ સિવાય ઈજાગ્રસ્તની સારવારનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવશે એમ નાશિકના પાલકમંત્રીએ જણાવ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રવાસીઓની ઓળખ કરવી મુશ્કેલ બની ગયું હતું. મૃતકની ઓળખ કરવા ડીએનએ ટેસ્ટ અમે ફોરેન્સિક ટેસ્ટ કરવામાં આવશે એવી માહિતી નાશિકના કલેકટર ગંગાધરણ ડી.એ. આપી હતી. જિલ્લાધિકારીની ઓફિસ દ્વારા મૃતકોની ઓળખ અને મદદ કરવા હેલ્પરૂપ બનાવવામાં આવ્યો છે. બે ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application