મધ્યપ્રદેશનાં રીવા જિલ્લામાં એક તાલીમી વિમાન તૂટી પડતાં સિનિયર પાયલટનું મોત થયું હતું. જોકે સહપાયલટને ગંભીર ઈજા પહોંચી છે. ગાઢ ધુમ્મસનાં કારણે વિમાન વૃક્ષ અને મંદિરનાં શિખર સાથે અથડાયું હતું. બનાવની રીત એવી છે કે, રીવા જિલ્લાનાં ચોરહટા વિસ્તારમાં એક તાલીમી વિમાન તૂટી પડયું હતું. એમાં સિનિયર પાયલટ અને સહપાયલટને ગંભીર ઈજા પહોંચી હતી. બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સિનિયર પાયલટનું મોત થયું હતું. સહપાયલટની સ્થિતિ ખૂબ જ નાજૂક હોવાનું કહેવાયું હતું. જયારે મૃતક પાયલટ બિહારનાં પટણાનો છે.
પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે, ગાઢ ધુમ્મસનાં કારણે વિમાન પહેલાં એક આંબાના વૃક્ષ સાથે ટકરાયું હતું. એ પછી મંદિરના શિખર સાથે અથડાયું હતું. વિમાન ટકરાતા મંદિરનું શિખર ધસી પડયું હતું. જોકે, મંદિરમાં મોડી રાતે શ્રદ્ધાળુઓ ન હતા એટલે મોટી જાનહાનિ ટળી હતી. જો વિમાન વૃક્ષ સાથે ટકરાયા પછી કોઈ ઈમારત સાથે અથડાયું હોત તો મોટી દુર્ઘટના બની હોત. આ દુર્ઘટનામાં સ્થાનિકોને કોઈ ઈજા પહોંચી ન હતી. મધ્યપ્રદેશનાં ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રએ કહ્યું હતું કે આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ખાનગી એવિએશન એકેડમીનું વિમાન હતું, તે અંગેની માહિતી પણ એકઠી કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500