ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગુજરાત રાજ્ય સંલગ્ન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા તથા જેન્ડર રિસોર્ટ સેન્ટર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ ૬ ફેબ્રુઆરીના રોજ આહવા ખાતે પોષણ વિષય ઉપર જાગૃતિ ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સહી પોષણ દેશ રોશન' ની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોષણ વિશે જાગૃત થાય તે માટે ચેતના ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર શ્રી જયદીપભાઇ ગામિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે તેઓએ સમતોલ આહાર ની વ્યાખ્યા સાથે સમતોલ આહાર, પોષણ, વગેરે અંગે ગર્ભાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધીનાં સમય દરમિયાન કેવા ખોરાક લેવા જોઈએ તે અંગેની માહિતી આપી હતી. સાથે જ તિરંગા થાળી સમજાવતા જણાવ્યું હતું કે, કેસરી રંગમાં ફળો, સફેદ રંગમાં દૂધની બનાવટો, લીલા રંગમાં લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઇએ. ધાન્યનો ઉપયોગમાં વિવિધતા લાવવા માટે પણ તેમણે જણાવ્યું હતું. ઝુંબેશમાં પધારેલ બીજા વક્તા શ્રી તૃષિત ગામીતે વિદ્યાર્થીઓને આયર્નની ઉણપ, વિટામિનની ઉણપ, કેલ્શિયમની ઉણપથી થતા વિવિધ રોગો વિશે સમજ આપી તેની સામે રક્ષણના પગલાંઓ પણ જણાવ્યા હતા. WHO દ્રારા અપાયેલી સમતોલ આહારની વ્યાખ્યા સમજાવી હતી. તેમજ પીવાના પાણીની વિવિધતાઓ જણાવી હતી. આ ઝુંબેશમાં ૨૫૦ વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકશ્રીઓ જોડાયા હતા. કાર્યક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. તેમજ પોષણ અંગેની માહિતી વિષયક પત્રિકા પણ વિતરણ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500