રાજ્યના ગ્રામ્ય તેમજ શહેરીજનોની રાષ્ટ્રભક્તિની ભાવના વધુ પ્રબળ બને, તેમજ રાજ્યના તમામ વિસ્તારની માટી દેશના પાટનગર ખાતે ભેગી કરીને, સમગ્ર દેશ સાથે દરેક જણ ઐક્ય અનુભવે, તથા દેશની એકતા અને અખંડિતતા કાયમ બની રહે તે માટે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ તા.૬ ઓક્ટોબરથી બીજા તબક્કાની 'અમૃત કળશ યાત્રા'નું આયોજન કરાયું છે. અગાઉની 'અમૃત કળશ યાત્રા'ની અભૂતપૂર્વ સફળતા તેમજ લોકોમાં ઉઠેલી દેશભક્તિની લહેરને ધ્યાને લઈને અમૃત કળશ યાત્રાનું પુન: આયોજન કરતા રાજ્ય સરકારે આ વેળા, પ્રતિદિન અલગ અલગ લક્ષીત પ્રજાજનોને સામેલ કરી આ યાત્રામાં જોડવાનું આયોજન હાથ ધર્યું છે.
સમાજના તમામ વર્ગો રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે, તેમજ તેઓમાં દેશભકિતની ભાવના બળવત્તર બને, અને તેઓ સમાજની મુખ્યધારા સાથે જોડાઈ વિશેષ ભાગીદારી કેળવી શકે તે માટે તા.૬ ઓક્ટોબરે મહિલાઓ, ૭મી એ બક્ષીપંચ સમાજના ગ્રામજનો, ૮ એ અનુસૂચિત જાતિના પ્રજાજનો, ૯મી એ યુવાનો, ૧૦ મી એ અનુસૂચિત જનજાતિના પ્રજાજનો, ૧૧ એ ખેડૂતો અને પશુપાલકો, તથા ૧૨ મી ઓક્ટોબરે લઘુમતી સમાજના પ્રજાજનોને વિશેષ રીતે આ યાત્રા સાથે જોડવાનું આયોજન કરાયું છે. યાત્રાના જિલ્લાના નોડલ ઓફિસર-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરફથી મળેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લાની ત્રણેય તાલુકાઓ નવી (સૂચિત) તથા જૂની મળી કુલ ૧૦૦ પંચાયતોમાં બીજા તબક્કાની 'અમૃત કળશ યાત્રા' યોજાઈ રહી છે. અગાઉની જેમ જ આ વખતે પણ આ યાત્રા તેના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ગ્રામીણ કક્ષાએથી તાલુકા, જિલ્લા, અને રાજ્ય કક્ષાએ પહોંચી, રાષ્ટ્રીય સ્તરે સુધી પહોંચશે, તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500