સરકારી દવાખાનામાં દર્દીઓને સારામાં સારી સારવાર અને સુવિધા ઉપલબ્ધ થાય તેમજ વહીવટ પણ લોકાભિમુખ ચાલે તે માટે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નેશનલ હેલ્થ મિશન દ્વારા ગત જૂન માસની તા.૨૬ થી ૨૯ સુધી એક ટીમ વલસાડ ખાતે મોકલવામાં આવી હતી. જે ટીમ દ્વારા ઉમરગામ તાલુકાના સંજાણ અને દહેરી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. સંજાણ પીએચસી ૯૩.૯૬ ટકા અને દહેરી પીએચસી ૯૪.૮૦ ટકા સાથે આરોગ્ય સેવાઓની ગુણવત્તાના તમામ માપદંડમાં ખરૂ ઉતરતા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના નેતૃત્વમાં જિલ્લાના સરકારી દવાખાનાઓમાં આરોગ્ય સેવાઓ વધુ સુદઢ બને તેવા પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં તમામ આરોગ્ય કેન્દ્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને એમ્બ્યુલન્સ અને સ્ટાફની ઘટ પણ પૂરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારની ટીમ તા.૨૬થી ૨૯ જૂન ૨૦૨૩ સુધી ચકાસણી માટે વલસાડ જિલ્લામાં આવી હતી. જેમણે ઉમરગામ તાલુકાના સંજાણ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને દહેરી પીએચસીમાં બબ્બે દિવસ સુધી ચકાસણી કરી હતી. જેમાં દર્દીને કેવી સારવાર આપવામાં આવે છે, દર્દીને સરકારી સેવાથી સંતોષ છે કે કેમ, અધિકારી અને કર્મચારીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, સરકારના નિયમો મુજબ રેકર્ડ અને રજિસ્ટર નિભાવણી વગેરેની ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત સગર્ભા-પ્રસૂતાની સેવા, બાળ સંભાળ અને સારવાર, કુટંબ કલ્યાણની સેવાઓ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, બિન સંચારી રોગો, વૃધ્ધ દર્દીઓની સાર સંભાળ, ઈમરજન્સી સેવાઓ, માનસિક બિમારીવાળા દર્દીઓની સંભાળ જેવી સુવિધાઓની ખાતરી રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. આ સિવાય ઓપીડી, લેબોરેટરી, લેબર રૂમ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ, દર્દીઓના અધિકારો, દર્દીઓનું સાજા થવાનું પ્રમાણ અને કવોલિટી મેનેજમેન્ટ સહિતનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૬ વિભાગોનું મૂલ્યાંકન કરી રાજ્યકક્ષાએ અને બાદમાં કેન્દ્ર કક્ષાએ મૂલ્યાંકનની વિગતો મોકલવામાં આવી હતી.
જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અપાતી આરોગ્ય સેવાઓના એસેસમેન્ટમાં ૭૦ ટકાથી વધુ સ્કોર થાય તો કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફીકેટ આપવામાં આવે છે. ત્યારે સંજાણ અને સુખાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ તમામ માપદંડોમાં ખરુ ઉતરતા તેને NQAS પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. સાથે ત્રણ વર્ષ સુધી વધારાની ત્રણ –ત્રણ લાખ રૂપિયાની ગ્રાંટ પણ પુરસ્કારરૂપે આપવામાં આવશે. જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સુવિધામાં પણ વધારો થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500