બારડોલીનાં લિનિયર બસ સ્ટેન્ડ પરથી નશાની હાલતમાં એસ.ટી. બસના ચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે કંડક્ટરની ફરિયાદનાં આધારે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત વિભાગીય કચેરી હેઠળ આવતા માંડવી એસ.ટી. ડેપો દ્વારા માંડવી દાહોદ બસનું સંચાલન કરવામાં આવે છે.
જોકે બુધવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ માંડવીથી ઉપડેલી આ બસમાં ડ્રાઇવર તરીકે યશવંતસિંહ નુરપતસિંહ સોલંકી (ઉ.વ.38., રહે.બાહીગામ, બ્રાહ્મણ ફળિયું, તા.શહેરા, જિ.પંચમહાલ) અને કંડક્ટર તરીકે નિલેષ કાંતિલાલ પટેલ (રહે.બામણવાડા, તા.ચીખલી, જિ.નવસારી) નોકરી પર હતા. એકાદ કલાક બાદ બસ બારડોલીના રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ પર પહોંચી હતી અને ત્યાંથી બસ લિનિયર બસ સ્ટેન્ડ પર જતાં જ મુસાફરોને બસ ચાલક નશાની હાલતમાં હોવાનું લાગતાં તેને નીચે ઉતારી તપાસ કરી તો દારૂની ગંધ આવી રહી હતી. કંડક્ટરે ઉપરી અધિકારી બીપીન રામ ચૌહાણને બોલાવ્યા હતા અને ચર્ચા બાદ કંડક્ટરે બસચાલક યશવંતસિંહ સોલંકી વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500