રાજયમાંથી અવાર-નવાર ઝડપાતા ગાંજાના કેસોમાં ઓરિસ્સાનું કનેકશન ખુલે છે. રાજકોટ એસ.ઓ.જી.એ ઓરિસ્સાના ત્રણ શખ્સોને 3.707 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા. એસ.ઓ.જી.ના એએસઆઈ અને જમાદારને મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી.એ કન્સ્ટ્રકશનનું કામ કરતા હિતેન્દ્રસિંહ ચુડાસમાની કાલાવડ રોડ પર આવેલી પતરાની ઓરડીમાં દરોડો પાડી ત્યાં થોડા દિવસોથી રહેતાં મૂળ ઓરિસ્સાના જુધીસ્થીર ધુમડુ રાણા (ઉ.વ.33) અને મૂળ ઓરિસ્સાના અને હાલ શિતલ પાર્ક ઉપરાંત કાલાવડ રોડ પરના આંબેડકર નગરમાં ભાડેથી ઝૂંપડા અને ઓરડીમાં રહેતા માધબ બડીયાઘર કુનરા (ઉ.વ.24) અને અમીત નરેન્દ્ર સાગર (ઉ.વ.25)ને ગાંજાની 3.707 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા હતા.
એસ.ઓ.જી.એ ગાંજાની કિંમત રૂા.37007 ગણી હતી. આ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂા.52070નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એસ.ઓ.જી.ના સૂત્રોએ જણાવ્યું કે, જુધીસ્થીર ગાંજાનો મુખ્ય સપ્લાયર છે. જયારે આરોપી માધબ અને અમીત દલાલ તરીકે કામ કરે છે. જુધીસ્થીર ગઈ તા.12ના રોજ ટ્રેનમાં ગાંજાનો જથ્થો લઈને આવ્યો હતો. હવે તે પરત ઓરિસ્સા જવાની વેતરણમાં હતો તે પહેલાં જ ઝડપાઈ ગયો છે. ઓરિસ્સામાં રૂપિયા ચારેક હજારમાં 1 કિલો ગાંજો મળે છે. જેના ગુજરાતમાં 10થી 15 હજાર રૂપિયા મળે છે. જેને કારણે ઓરિસ્સાના ઘણાં શખ્સો હાલમાં ગાંજાની હેરાફેરીમાં સામેલ થઈ ગયા છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ગાંજાના નેટવર્ક વિશે ઘણી માહિતી મળે તેવી પોલીસને આશા છે. આ માટે ત્રણેય આરોપીઓના પોલીસ રિમાન્ડ માંગશે. આ ત્રણેય આરોપીઓ છેલ્લા કેટલા સમયથી રાજકોટમાં ગાંજાનું નેટવર્ક ચલાવે છે તે સહિતના મુદ્દે હવે પોલીસ તપાસ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application