ઝીલકુમાર/બારડોલી : સરદાર નગરી બારડોલી નગરપાલિકા દ્વારા સંચાલિત સરદાર ટાઉન હોલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. ત્રણેક દિવસ પૂર્વે રાત્રીના સમયે પાલિકાના શાસકો ટાઉન હોલ પર પહોંચતા કેટલાક શખ્સો ત્યાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. શાસકોની ટીમને જોતા જ દારૂડિયાઓમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા.સરકારી મિલકતમાં દારૂની મહેફિલ ચાલતી હોવાછતાં પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં નહીં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
શાસકોને ટાઉનહોલ પર આવતા જોય અસામાજિક તત્વો દારૂની મહેફિલ પડતી સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હતા.
બારડોલી નગર પાલિકા દ્વારા સ્વરાજ આશ્રમ મેદાનની સામે જનતા નગર સોસાયટીમાં ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે. પ્રજાજનોને મનોરંજન મળી રહે તેમજ મોટા કાર્યક્રમો થઈ શકે તે માટે આ ટાઉનહોલ બનાવવામાં આવ્યો છે. મોટા ભાગે ટાઉન હોલમાં સરકારી કાર્યક્રમ કે રાજકીય કાર્યક્રમો જ થતા હોય છે. જે મોટા ભાગે દિવસ દરમ્યાન જ થતા હોય છે. આથી રાત્રીના સમયે ટાઉન હોલમાં ચકલુંય ફરકતું નથી. દેખરેખના અભાવે આ અત્યાધુનિક ટાઉન હોલ દારૂડિયાઓ માટે વરદાન રૂપ સાબિત થઈ રહ્યો છે. રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા અહીં દારૂની મહેફિલ મનાવવામાં આવતી હોવાની વાત શાસકોના કાને આવતા શાસકો ખુદ પોલીસના રોલમાં આવી ત્રાટકયા હતા. જો કે શાસકોને ટાઉનહોલ પર આવતા જોય અસામાજિક તત્વો દારૂની મહેફિલ પડતી સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હતા.
પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.
દારૂ પીવાતો હોવાની જાણકારી હોવા છતાં બારડોલી નગરપાલિકાના કારોબારી ચેરમેન નીતિન શાહ, બાંધકામ સમિતિ ચેરમેન જેનિષ ભંડારી અને સંગઠનના હોદ્દેદારો ખુદ સિંઘમ બની ત્યાં પહોંચી ગયા હતા.તેમણે પોલીસને જાણ ન કરતા સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો છે. દારૂની મહેફિલ પર શાસકોને ત્રાટકવાનો અધિકાર કોણે આપ્યો ?? જો સૂચના મળી હોય તો અંગે પોલીસને જાણ કેમ કરવામાં ન આવી ?? જેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. શાસકોએ તેમના જ માણસોને બચાવવા માટે મામલો રફેદફે કરી દીધો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જોકે હવે આજ શાસકો હવે નગરમાં બિન્દાસ્ત ધમધમતા દારૂના અડ્ડાઓ પર રેડ કરશે તેવી ચર્ચાએ પણ પંથકમાં જોર પકડ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500