પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તા નજીક વામદોત પેટ્રોલપંપની બાજુમાં આવેલ એક કોમ્પ્લેક્સમાં પહેલા માળે સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપ.બેંકની કડોદરા શાખા આવેલી છે. સોમવારે સાંજે 4 વાગ્યાના અરસામાં બેંકમાં ગ્રાહકના સ્વાંગમાં એક યુવાન માથા પર ટોપી અને મોઢા પર માસ્ક પહેરીને ઘુસી આવ્યો હતો. પ્રથમ બેન્કના એટીએમ મશીન તરફ જઈ બેન્કની અંદરની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ સીધો બેન્કમાં પ્રવેશ્યો હતો. આ સમયે બેન્કમાં મેનેજર ધવલ પટેલ અન્ય એક પુરુષ કર્મચારી અને 2 મહિલા કર્મચારી મળી કુલ 4 કર્મચારીઓ હાજર હતા.
ત્યારે અચાનક લૂંટારુંએ તેની પાસેની થેલીમાંથી પિસ્તોલ જેવું હથિયાર બતાવી તમામ કર્મચારીઓના ફોન ફેંકાવી દીધા હતા ઘૂંટણે બેસાડી દીધા અને તમામને બંધક બનાવી દીધા બાદ બેન્કમાંથી કેશ બારી પાસે જઈ એક બેગમાં 6,83,967 લાખ રૂપિયા લૂંટી બેન્કના મુખ્ય દરવાજાને તાળું મારી ભાગી છૂટ્યો હતો. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં લૂંટ થવાની ઘટનાને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના અંગે કડોદરા બ્રાન્ચના મેનેજર ધવલ દિનેશભાઇ પટેલ (ઉ.વ.35, ઘર 20 પંચવટી સોસાયટી રહ્મ શોપિંગ સેન્ટર પરલે પોઇન્ટ સામે સુરત શહેર) નાઓએ કડોદરા GIDC પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.
કડોદરા પોલીસ ચોકીની સામે જ લૂંટની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વની બાબત એ છે કે, બેન્કમાં પુરાયેલા કર્મચારીએ લૂંટારું ભાગી છૂટ્યા બાદ એલર્ટ સાયરનનું બટન દબાવ્યું હતું. આમ છતાં આજુબાજુથી કોઈ વ્યક્તિ મદદ માટે પહોંચ્યું ન હતું. બેન્ક કર્મચારીઓ જાતે તાળું તોડીને બહાર નીકળ્યા હતા.
ત્યારબાદ પોલીસનો સંપર્ક થયો હતો. જોકે પોલીસે પ્રાથમિક તપાસમાં CCTV કેમેરા ચેક કરતા એકલો આવેલો લૂંટારું લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ રોડ પરથી પગપાળા ભાગતો નજરે પડ્યો હતો. કડોદરા ચાર રસ્તા ક્રોસ કરી બારડોલી તરફના રોડ પર પહોંચ્યો હોવાનું સીસીટીવીમાં નજરે પડી રહ્યું છે. બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
બેંકમાં પ્રવેશેલ લૂંટારૂનું વર્ણન
બેંકમાં પ્રવેશેલો લૂંટારું ઉંમરમાં આશરે 30 થી 35 વર્ષનો હોવાનું પોલીસનું અનુમાન છે રંગે શ્યામ વર્ણનો ઉંચાઈમાં 5.4 ફૂટ આશરે તેમજ લૂંટારું લૂંટ દરમિયાન બેંકમાં હિન્દી ભાષામાં "ચલો ચલો પૈસા નિકાલો" એમ હિન્દીમાં બોલતો હોવાનું જણાવ્યું હતુ શરીરે વાદળી રંગની ટીશર્ટ અને ગ્રે કલરનું ટ્રેક પેન્ટ તેમજ કાળા રંગના બુટ પહાર્યા હતા.
વધુમાં સુરત ડિસ્ટ્રીકટ બેંકની મોટાભાગની શાખાઓ પર સિક્યુરિટી ગાર્ડનો અભાવ જોવા મળે છે. જિલ્લામાં એ.ટી.એમ. ચોરીની ઘટનામાં પણ સુરત ડિસ્ટ્રીકટના એ.ટી.એમ. ચોરોના સરળ નિશાના પર હોય છે. કડોદરાની ઘટનામાં પણ સિક્યુરિટી ગાર્ડનો અભાવ જોવા મળ્યો હતો. આઠ મહિના પહેલા બારડોલી તાલુકાના મોતા ગામે મોટર સાયકલ આવેલા શખ્સોએ આ જ રીતે સુરત ડિસ્ટ્રીકટ બેન્કની શાખામાં એરગન જેવું હથિયાર બતાવી લૂંટ ચલાવી હતી. જિલ્લા પોલીસ આ લૂંટનો ભેદ ઉકેલી શકી નથી ત્યાં લૂંટારુએ વધુ એક બેન્ક લૂંટની ઘટનાને અંજામ આપતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500