ગુજરાતના પ્રથમ ઉર્દુ શાયર ‘વલી’ ગુજરાતીની સ્મૃતિમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે વલી એવોર્ડ આપી મૂર્ધન્ય ગઝલકારોને સન્માનિત કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પ્રખ્યાત કવિ, ગઝલકાર શ્રી અમર પાલનપુરીને સાહિત્ય જગતનો સુપ્રસિદ્ધ 'વલી' ગુજરાતી ગઝલ પુરસ્કાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અર્પણ કરાયો હતો. અઠવાલાઈન્સના આદર્શ હૉલ ખાતે આયોજિત 'વલી' ગુજરાતી ગઝલ પારિતોષિક અર્પણ સમારોહમાં મંત્રીશ્રીએ કવિશ્રી અમર પાલનપુરીને અભિનંદન આપતા, કવિતા, ગઝલ અને સાહિત્યમાં તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવ્યું હતું.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી સાહિત્યીક પ્રતિભાઓને અપાતાં પ્રોત્સાહન અને ગુજરાતી સાહિત્યના વારસાને જાળવી રાખવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. દેશ કે રાજ્યના વિકાસમાં તેની ભાષા અને સંસ્કૃતિની મહત્વની ભૂમિકા સમજાવી મંત્રીશ્રીએ લોકોને સાહિત્યથી જોડાયેલા રહેવા આહ્વાન કર્યું હતું. મંત્રીશ્રીએ લોકોને પુસ્તકો અને વાંચન સાથે જોડી રાખવા આગામી દિવસોમાં શહેરની શેરીઓ અને રસ્તાઓ પર લાયબ્રેરીનું નિર્માણ કરવાનુ આયોજન થઈ રહ્યું હોવાનું પણ ઉમેર્યું હતું. તેમણે નવ યુવાઓને સાહિત્યમાં રસ કેળવવા તેમજ પોતાની ભાષા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે અપીલ કરી હતી. નોંધનીય છે કે, વલી પારિતોષિક માટે પસંદગી પામેલા ગઝલકારને વલી ગુજરાતી એવોર્ડ સાથે રૂ. એક લાખની સન્માન રાશિ અર્પણ કરવામાં આવે છે. આ પ્રસંગે અકાદમી અધ્યક્ષ ભાગ્યેશ ઝા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવ, નર્મદ યુનિ.ના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા, કવિ, લેખક અને મનોચિકિત્સક ડૉ.મુકુલ ચોકસી સહિત અન્ય કવિઓ અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500