દિલ્હી ફાયર સર્વિસમાં બે રોબોટ હવે આગ ઓલવાનું કામ કરશે. તે સિવાય જો કટોકટીની પળોમાં ફાયર ફાઈટર્સ આગમાં સપડાઈ જશે તો આ રોબોટ્સ તેમનો જીવ બચાવવામાં પણ મદદરૂપ બનશે. આર્ટિફિશિયલ ઈન્ટિલેજન્સ આધારિત આ રોબોટ્સ ઓઈલ ટેન્ક જેવા જોખમી સ્થળોએ પણ પહોંચવા માટે સક્ષમ છે. દિલ્હી ફાયર સર્વિસના કહેવા પ્રમાણે, દિલ્હીની રાજ્ય સરકારે ફાયર યુનિટને ખાસ બે રોબોટ્સ ફાળવી આપ્યા છે.
જોકે વારંવાર દિલ્હીમાં આગની ગંભીર ઘટનાઓ બનતી હોવાથી હવે આ રોબોટ્સ ગંભીર આગ ઠારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રિમોર્ટ કંટ્રોલથી ચાલતા આ રોબોટ્સ ગમે તેવી વિષમ સ્થિતિમાં આગ ઠારવા સક્ષમ છે. તે એટલે સુધી કે ઓઈલ ટેન્કર અથવા તો કેમિકલ ટેન્કમાં પણ એ જઈ શકશે અને એમાં લાગેલી આગ ઠારી શકશે.
જોખમી સ્થળે અત્યાર સુધી ફાયર ફાઈટર્સને મોકલવા પડતા હતા, પરંતુ હવે એ જોખમ ઘટશે. એવા સ્થળોએ રોબોટને મોકલી શકાશે. આ રોબોટ તેમની આસપાસ 100 મીટરનો વિસ્તાર કવર કરી શકશે. દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગના કહેવા પ્રમાણે આ ફાયર ફાઈટર રોબોટ ગંભીર સ્થિતિમાં ફાયર ફાઈટર્સનો જીવ બચાવવામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવશે.
કારણ કે ખૂબ જ નાની જગ્યામાં આ રોબોટને મોકલી શકાશે. ભડભડ બળતી આગમાં એ ફાયર ફાઈટર્સ માટે રસ્તો બનાવશે. બેઝમેન્ટથી લઈને, જંગલ, વેરહાઉસ, સાંકળી ગલી વગેરે તમામ સ્થળોએ રોબોટ્સને મોકલી શકાશે. દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટરના કહેવા પ્રમાણે અત્યારે પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે આ બે રોબોટને સામેલ કરાયા છે. તેમની કામ કરવાની પદ્ધતિનો અભ્યાસ કર્યા બાદ વધુ રોબોટ્સને ફાયર સર્વિસમાં સામેલ કરવાની દિશામાં પગલાં ભરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500