સુરત શહેરનાં રાંદેર રોડ રામનગર ત્રણ રસ્તા પાસેથી પોલીસે 20.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ રૂપિયા 3.95 લાખના મુદ્દામાલ સાથે દંપતીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જયારે ડ્રગ્સ સપ્લાય કરનાર રાંદેર-ગોરાટના યુવકને વોન્ટેડ જાહેર કર્યો છે. રાંદેર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે રાંદેર રોડ રામનગર ચાર રસ્તા સ્થિત સિંચાઇ પેટા વિભાગ કચેરી પાસે વોચ ગોઠવી બર્ગમેન મોપેડ નંબર GJ/05/LX/4658 ઉપર પસાર થઇ રહેલા સમીર ઉર્ફે લાલા મુનાફ મલીક (ઉ.વ.24) અને તેની પત્ની અકીલા ઉર્ફે સાનીયા સમીર ઉર્ફે લાલા મુનાફ મલીક (ઉ.વ.27, બંને રહે. રહેમતખાન જમાદાર સ્ટ્રીટ, મુન્સી મસ્જિદની બાજુમાં, ખાનગાહ સ્ટ્રીટ, રાંદેર અને તાજ એપાર્ટમેન્ટ, પરા મહોલ્લો, અસનાબાદ, તા. ઓલપાડ, જી. સુરત)ને ઝડપી પાડી તેમની પાસેથી 20.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂપિયા 2.03 લાખ, રોકડા રૂપિયા 4200, 3 નંગ મોબાઇલ અને મોપેડ મળી કુલ રૂપિયા 3.95 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
બંનેની હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં છેલ્લા ઘણા સમયથી તેઓ મેફેડ્રોન ડ્રગ્સ અકરમ ઉર્ફે બંગાલી અશરફ શેખ (રહે.શુકુન ટેનામેન્ટ, ગોરાટ, રાંદેર) પાસેથી છુટકમાં વેચાણ કરતા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે અકરમને વોન્ટેડ જાહેર કર્યો હતો. જોકે તેને ઝડપી પાડવા માટે પોલીસે વોચ ગોઠવી છે અને સંભવત મોડી રાત સુધીમાં ઝડપાય જેવી તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, ગત જુન મહિનામાં વેસુના અભિષેક પાર્કમાંથી 20.76 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા મોહમદ ઉમર શેખ, ઉઝેર શેખ અને મોહમદ ઝુબેર શેખને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો.
તે કેસમાં સમીર ઉર્ફે લાલો વોન્ટેડ હતો. ઉપરાંત સમીર ઉર્ફે લાલા વિરૂધ્ધ રાંદેરમાં મારામારી અને વેપારીને ધાક-ધમકી આપી ખંડણી માંગવા ઉપરાંત ઘાતક હુમલો કરી હત્યાના પ્રયાસ, ક્રાઇમ બ્રાંચમાં નાર્કોટીક્સના ગુનામાં જેલની હવા ખાઇ ચુકેલો રીઢો ગુનેગાર છે. સમીર ઉર્ફે લાલો શેખ અને તેની પત્ની અકીલા ઉર્ફે સાનીયા ડ્રગ્સ સાથે પસાર થવાના હોવાની બાતમી તો પોલીસને મળી હતી. પરંતુ સમીર ઉર્ફે લાલો અગાઉ મારામારી, હત્યાના પ્રયાસ, રાતના સમયે રખડતો-ભટકતો પકડાવા ઉપરાંત રાંદેર પોલીસે પાસા હેઠળ અટકાયત પણ કરી હતી. જેથી રાંદેર પોલીસના સ્ટાફથી પરિચતી હોવાથી પીઆઇ અતુલ સોનારા અને પી.એસ.આઇ. છટકું ગોઠવ્યું હતું. જેમાં બે મહિલા કોન્સ્ટેબલનો વેશપલ્ટો કરી રાંદેર રોડ રામનગર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી ઝડપી પાડયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500