Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાંદેરના સેરેબ્રલ પાલ્સી અને ડેવલપર ડિલેની બિમારીથી પીડિત આઠ વર્ષના બાળક માટે રાંદેર પોલીસ બની દેવદૂત

  • August 24, 2024 

ખાખી રંગની વર્દીમાં માનવતાનો રંગ ભળે ત્યારે સમાજના જરૂરિયાતમંદ વર્ગને સુખદ અનુભવ થતો હોય છે. સુરતના રાંદેર પોલીસનું ફરી એકવાર માનવતાવાદી રૂપ જોવા મળ્યું છે. રાંદેર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારના જન્મજાત માનસિક દિવ્યાંગતા સાથેના સેરેબ્રલ પાલ્સી અને ડેવલપર ડિલેની બિમારીથી પિડીત આઠ વર્ષના દીકરાની સારવાર કરવી ખૂબ જ ખર્ચાળ હતી. છુટક મજૂરીકામ કરતા ઘરના મોભીને સારવારનો ખર્ચ પરવડી શકે તેમ ન હતો. એવા સમયે બાળક માટે રાંદેર પોલીસ દેવદૂત બનીને આવી અને બિમારીનો ત્રણથી ચાર લાખનો ખર્ચ રાંદેર પોલીસે પોતાના શિરે લઈ મુસ્લિમ પરિવારને આર્થિક કરજમાં જતા ઉગાર્યા છે. આ બિમારીમાં વ્યક્તિના સ્નાયુ તથા જીભ તેમજ શરીરના અન્ય અવયવો યોગ્ય હલન-ચલન કરી શકતા નથી.


પરિવારે બાળકની સારવાર માટે પેટે પાટા બાંધીને સારવાર કરી તેમ છતા અંતે નિરાશા જ હાથ લાગી. પરિવારના મોભી કાપડ માર્કેટમાં છુટક દલાલીનું કામ કરી ઘર ગુજરાન ચલાવે છે. આવકની મોટા ભાગની રકમ દીકરાની સારવારમાં ખર્ચાઈ જતી હતી, ત્યારે પરિવાર માટે દરેક નવી સવાર સારવારના પૈસા ક્યાંથી લાવવા તેની ચિંતા લઈને આવતી હતી. આ સ્વભિમાની પરિવાર પોતાની રીતે સંઘર્ષ કરી રહ્યો હતો, જેમાં બાળકની દરરોજ ફિઝીયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી તેમજ સેન્સનરી ઈન્ટીગ્રેશન થેરાપી જેવી સારવારના સેશન કરાવવા પડે છે, અને એક સેશન એક મહિનો ચાલે જેનો રૂ.૧૧,૦૦૦/- ચાર્જ અને બેથી ત્રણ વર્ષ સુધી સારવાર શરૂ રહે છે, જેમાં કુલ ત્રણથી ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય તેમ હતો જે આ પરિવારને પરવડે તેમ ન હતો.


રાંદેર પોલીસની સેવાભાવના વિષે અવારનવાર સાંભળ્યું હોવાથી અંતે પરિવાર રાંદેર પોલીસ સ્ટેશને મદદની આશાએ પહોંચ્યું હતું. પોતાના સંઘર્ષભર્યા જીવનમાં ગમે તેવી નાસ્તિક વ્યક્તિને પણ ઈશ્વર યાદ આવતો હોય છે. ત્યારે પરિવારને દીકરાની સારવાર માટે તબીબની સાથે પોલીસ પણ મદદ કરશે તેવા વિશ્વાસ સાથે રાંદેર પોલીસ સ્ટાફને મળ્યા હતા. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.કે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આજથી બે મહિના પહેલા મુસ્લિમ પરિવાર રાંદેર પોલીસ સ્ટેશન આવીને તત્કાલીન પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.એસ.સોનારાને મળીને પોતાની મુશ્કેલીની આપવીતી જણાવી હતી. પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ બંધાય એવી ભાવના સાથે લોકોની મદદ અને સુરક્ષા માટે પોલીસ હરહંમેશ તૈયાર રહે છે.


લોકોની સુરક્ષા સાથે લોકસેવા પણ કરવી જરૂરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ઝોન-૫ના ના.પોલીસ કમિશનર આર.પી.બારોટ તથા એ.સી.પી.(કે ડિવીઝન) બી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય એવો અમારો હેતુ રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શનમાં માનવીય અભિગમથી પરિવારની શક્ય એટલી તમામ મદદ કરવાનું નક્કી કર્યું. તત્કાલીન પો.ઈ. અતુલ સોનારાએ સેકન્ડ પો.ઈ. એમ.કે.ગોસ્વામી, સર્વેલન્સ પો.સ.ઈ.શ્રી બી.એસ. પરમાર, પો.સ.ઈ. પી.જી. ગોહિલ, શી ટીમ તથા શી ટીમ ઈન્ચાર્જ પો.સ.ઈ. એચ.બી.જાડેજા, એ.એસ.આઈ. મોહસીન હુસેન સૈયદની ટીમના માર્ગદર્શન સાથે બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી. નાનપુરાના બાળરોગ નિષ્ણાત ડો.ચેતન શાહ સાથે ચર્ચા કરતા તેઓ સારવાર પેટે એક થેરેપી માટે થતો ખર્ચ રૂ.૧૧,૦૦૦થી ઘટાડી રૂ.૮૦૦૦માં કરી આર્થિક રીતે મદદરૂપ થયા હતા.


ડો.ચેતન શાહે જણાવ્યું હતું કે, આ બાળક જન્મ સમયે મોડો રડ્યો હતો, અને સુગર પણ લો થયું હતું. બાળકના જન્મ સમયે એનઆઈસીયુમાં દાખલ કર્યું હતું. આ કારણોથી બાળકના મગજના વિકાસમાં વિલંબ થાય છે. એટલે સામાન્ય બાળક કરતા આ બાળક ચાલતા અને બોલતા મોડું શીખે તેમજ માનસિક દિવ્યાંગતા સાથેના આ રોગને મેડિકલી ભાષામાં સેરેબ્રલ પાલ્સી કહે છે. તે સામાન્ય રીતે બાલ્યાવસ્થામાં વિકસતા મગજને નુકસાન થવાથી થાય છે. આ બિમારીની સારવારમાં દવા કે ઓપરેશન હોતા નથી, પરંતુ ફિઝીયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી અને સમય જતા સ્પીચ થેરાપી, સ્પેશિયલ એજ્યુકેશન થેરાપી થાય છે. આ બાળકની છેલ્લા ઘણા સમયથી ફિઝીયોથેરાપી ચાલતી હતી. જે ખૂબ જ ખર્ચાળ હોય છે. એટલે આ ગરીબ પરિવારને પરવડે તે ન હોવાથી પોલીસના માનવીય અભિગમથી પ્રેરિત થઈને બાળકની સારવારમાં હોસ્પિટલ તરફથી સહયોગ આપીને સહભાગી થયા છીએ, અને બાળકની સારવારનો તમામ ખર્ચ રાંદેર પોલીસે પોતાના શિરે લીધો છે એ સરાહનીય છે. પોલીસના સક્ષમ પ્રયત્નો અને સહયોગથી કેવી રીતે સામાજિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે જેનું આ જીવંત દષ્ટાંત કહી શકાય..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application