Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાજલ હિન્દુસ્તાનીની ટીપ્પણીનાં વિરોધમાં મોરબીમાં રેલીનું આયોજન કરાયું

  • March 31, 2024 

મોરબી પાટીદાર સમાજની દીકરીઓ તેમજ મોરબીના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓની ઉપર ટિપ્પણી કરતી કાજલ હિન્દુસ્તાનીની એક ક્લિપ વાયરલ થઈ હતી. જેને લઈને મોરબી પાટીદાર સમાજમાં વિરોધ ઉઠ્યો છે અને જેમાં તે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને તે મુદ્દે પોલીસ વિભાગમાં પણ અગાઉ અરજી આપીને ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે  મોરબીના શનાળા રોડ ઉપરથી સ્કૂટર અને બાઈક રેલી મોરબી પાટીદાર સમાજ દ્વારા યોજવામાં આવી હતી.


કોઈ એક કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ તથા મોરબી પાટીદાર સમાજની દીકરીઓને માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી કરીને પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો અને  તેના ભાગ સ્વરૂપે આજે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર સમાજના શ્રેષ્ઠિઓ, પાટીદાર સમાજના વિવિધ સંગઠનો અને શાખાના હોદ્દેદારો તેમજ મોરબી સિરામિક એસોસિયેશનના વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બાઈક અને કાર રેલીની અંદર ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા અને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.


મોરબીના શનાળા રોડ ખાતેથી મુખ્ય માર્ગો ઉપરથી આ રેલી સામાકાંઠે જિલ્લા સેવા સદન ખાતે આવેલ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને ત્યાં કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. પાટીદાર સમાજ, પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ તેમજ પાટીદાર સમાજની દીકરીઓ વિશે એલફેલ બોલનાર કાજલ હિન્દુસ્તાનીની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભભૂક્તો આક્રોશ જોવા મળી રહ્યો છે અને આજે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી વિશાળ રેલી યોજાઇ હતી. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ, પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તેમજ મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મોરબી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી ‘કાજલ હિંદુસ્તાની હાય હાય’ ના નારા સાથે આ રેલી મોરબી શહેરના વિસ્તારમાં કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરાઈ છે.


આ તકે મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલિયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડેજા, મુકેશભાઈ ઉઘરેજા, પોપટભાઈ કગથરા, એ.કે.પટેલ, ડો.મનુભાઈ કૈલા, કમલેશભાઈ પટેલ, ટી.ડી.પટેલ, પંકજભાઈ રાણસરિયા, મનોજભાઈ પનારા, કે.ડી.બાવરવા, સાગરભાઇ સદાતીયા, નયનભાઇ પટેલ, અલ્પેશ કોઠીયા સહીતના પાટીદાર સમાજના આગેવાનો આ રેલીની અંદર જોડાયા હતા.  જો કાજલ હિન્દુસ્તાની દ્વારા ૪૮ કલાકમાં મોરબી પાટીદાર સમાજની માફી નહીં માંગવામાં આવે તો તેની વિરૂધ્ધ મહા સંમેલન બોલાવીને તેની સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં મોરબી પાટીદાર સમાજ દ્વારા કોઈ પાછી પાની નહીં કરવામાં આવે તેવી ચીમકી પણ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે અને હાલમાં મોરબીના માર્ગો કાજલ હિન્દુસ્તાની હાય હાયના નારાથી ગુંજી ઉઠ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application