Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલા : મેડીકલ કોલેજના નોડલ ઓફિસર અને વડોદરા મેડીકલ કોલેજના ડીનએ રાજપીપલા આયુર્વેદિક કોલેજની મુલાકાત લીધી

  • May 25, 2021 

ભારત સરકારની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અંતર્ગત ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી શરૂ થનારી પાંચ નવી મેડીકલ કોલેજમાં નર્મદા જિલ્લાની નવી મેડીકલ કોલેજનો પણ તેમાં સમાવેશ કરાયેલ છે. GMERS દ્રારા રાજપીપલામાં જીતનગર ખાતે નવી મેડીકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલ માટે મંજુરી અપાઇ છે. રાજપીપલાની નવી મેડીકલ કોલેજનું બાંધકામ આગામી વર્ષોમાં આકાર પામશે.

 

 

 

 

 

હાલમાં, રાજપીપલા ખાતે મંજુર કરાયેલી નવી મેડીકલ કોલેજના પ્રથમ વર્ષના MBBSના અભ્યાસક્રમ માટે રાજપીપલા ખાતેની આયુર્વેદિક મેડીકલ કોલેજના બિલ્ડીંગમાં આગામી શૈક્ષણિક સત્રથી કાર્યરત થનાર હોઇ, આ બિલ્ડીંગમાં પ્રથમ વર્ષના અભ્યાસક્રમ માટેના જુદા-જુદા વિભાગો માટે જરૂરી અને પૂરતી સુવિધાઓની ઉપલબ્ધિ માટે P.I.U.ને સૂચન કરી તે મુજબની સુવિધાઓ ઉભી થાય તેના અભ્યાસ-નિરીક્ષણ માટે વડોદરાથી રાજપીપલાની મેડીકલ કોલેજના નોડલ ઓફિસર અને ડીન ડૉ.આશિષ ગોખલે, વડોદરાની મેડીકલ કોલેજના ડીન ડૉ.તનુજા જાવડેકર, એનેટોમી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ.વસંત વાણીયા, ફિઝીયોલોજી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ.વર્ષા જોષી અને બાયોકેમેસ્ટ્રી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ.શિલ્પા જૈન, P.I.U.ના નાયબ કાર્યપાલક ઇજનેર દવે અને પરેશ પરમાર વગેરેએ રાજપીપલા આયુર્વેદિક કોલેજની સંયુકત મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી P.I.U.ને જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાતમાં રાજપીપલાના સિવિલ સર્જન અને CDMO ડૉ.જયોતિબેન ગુપ્તા અને આયુર્વેદિક કોલેજના RMO ડૉ.પિયુષ શાહ પણ સાથે જોડાયા હતા અને ઉક્ત ટીમને જરૂરી જાણકારી પૂરી પાડી હતી.

 

 

 

 

 

ઉક્ત મુલાકાત બાદ સદરહુ ટૂકડીના તબિબિ સભ્યોએરાજપીપલા કલેક્ટર કચેરી ખાતે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની પણ રૂબરૂ મુલાકાત લઇ ઉક્ત બાબતે કરેલી જરૂરી ચર્ચા-વિચારણા અને વિચાર-વિમર્શમાં જિલ્લા કલેક્ટર શાહે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા આરોગ્ય શિક્ષણ સહિતના અન્ય ક્ષેત્રે નિયત કરાયેલા પેરામીટર્સ મુજબ આ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા વિશેષ પ્રાધાન્ય અપાઇ રહ્યું છે.

 

 

 

 

 

ત્યારે આગામી શૈક્ષણિક સત્રથી આયુર્વેદિક કોલેજમાં MBBSના પ્રથમ વર્ષના અભ્યાસક્રમની સાથોસાથ બીજા વર્ષના અભ્યાસક્રમ માટેની જરૂરી અન્ય લેબોરેટરીઓ અને આનુસંગિક અન્ય સુવિધાઓની મંજૂરી માટેની દરખાસ્તનો પણ અત્યારથી જ તેમાં સમાવેશ કરવાના સૂચન સાથે આ દિશામાં સત્વરે જરૂરી કાર્યવાહી કરવા તેમણે સૂચના આપી હતી.

 

રાજપીપલાની મેડીકલ કોલેજના નોડલ ઓફિસર અને ડીન ડૉ.આશિષ ગોખલેએ વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અંતર્ગત ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી પાંચ નવી મેડીકલ કોલેજ શરૂ થનાર છે. વડોદરા મેડીકલ કોલેજના ડીન ડૉ.તનુજા જાવડેકર અને કોલેજના જુદા-જુદા વિભાગના વડાશ્રીઓ, વડોદરા અને નર્મદાની P.I.U. ટીમ તથા અહીંના CDMO અને સિવિલ સર્જન ડૉ.જયોતિબેન ગુપ્તા સાથે મળીને અત્રેની મેડીકલ કોલેજની જીતનગર ખાતે ફાળવેલ જગ્યાએ જયાં સુધી કોલેજ-હોસ્પિટલનું નવું બાંધકામ ઉભુ નહી થાય ત્યાં સુધી શરૂઆતના એક-દોઢ વર્ષ માટે રાજપીપલાની આયુર્વેદિક કોલેજના બિલ્ડીંગમાં હાલ પૂરતા MBBSના શરૂઆતના પ્રથમ વર્ષના શૈક્ષણિક સત્ર માટે સૈધ્ધાંતિક મંજૂરી મળેલ હોઇ, આ સંસ્થાની મુલાકાત લઇને પ્રથમ વર્ષની માળખાકીય સુવિધા તેમજ જુદા-જુદા વિભાગોને લગતી બાબતો મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા-MCI મુજબ જરૂરી સર્વે કરેલ છે. અને દરેક વિભાગીય વડાશ્રીઓ દ્રારા કરાયેલા સૂચન અને MCIની જરૂરીયાત મુજબ ફિજીયોલોજી અને બાયોકેમેસ્ટ્રી માટે જે માળખાકીય સુવિધા છે તેમાં લેબોરેટરી, લેકચર હોલ અને ડેમોન્સ્ટ્રેશન હોલ, મ્યુઝિયમ વગેરે વિભાગને લગતી MCIની જરૂરીયાત મુજબનું સર્વે કરવામાં આવ્યું છે અને MCIની જરૂરીયાત મુજબ કયા પ્રકારની આનુસંગિક સુવિધાઓની જરૂરીયાત છે તે બાબતો અંગે વિભાગીય વડા–નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને તેમાં નકકી કરાયા મુજબ જરૂરી સુધારા-વધારા મુજબની સુવિધાઓની ઉપલબ્ધિ માટે P.I.U.ને સૂચન કરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application