ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છૂટો છવાયા વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લાનાં મોટાભાગના વિસ્તારોમાં ભારે ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસ્યો હતો. જેમાં ગુરુવારે મોડી સાંજે ગલકુંડ ખાતે ધોધમાર વરસાદ વરસતા ખાપરી નદીમાં ઘોડાપૂર આવી ગયું હતું. જ્યારે ગતરોજ આહવા તાલુકાના પૂર્વપટ્ટીનાં હારપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી.
ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં ઠેક ઠેકાણે વરસાદની પધરામણી જોવા મળી રહી છે. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં, સુબીર તેમજ પૂર્વ પટ્ટી વિસ્તારમાં વરસાદે પોતાની માઝા મૂકી હતી. તેમજ ગતરોજ આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખાપરી નદીમાં ભારે પાણીની આવક થઈ હતી. ગલકુંડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું. તેમજ ખાપરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવતા ડૂબાઉ કોઝવે પર નદીના પૂરના પાણી ફરી વળવાને કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો.
ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુધીર અને સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ડાંગ જિલ્લામાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાતા ગીરીકંદરામાં ધુમ્મસની ચાદર પથરાઈ જતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયા હતા. વરસાદને પગલે ડાંગ જિલ્લાના કુદરતી સૌંદર્યમાં વધારો થતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે વરસાદનાં પગલે જિલ્લાના નદીનાળા, ચેકડેમ, ધોધ જેવા સ્થળોએ જોખમી રીતે વાહન પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવેલ છે. જિલ્લા વહીવટી તંત્રએ અગાઉથી જ પ્રવાસીઓ અને સ્થાનિક પ્રજા માટે સુરક્ષાના હેતુથી સેલ્ફી જેવા અશિસ્ત કાર્યો પર પ્રતિબંધ લગાવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500