Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરસાદને કારણે જળાશયો અને નદીઓમાં નવા પાણીની આવક વધી : નવસારીમાં દેવધા ડેમનાં 40 દરવાજા ખોલવામાં આવ્યાં, ગણદેવી તાલુકાનાં 13 ગામોને એલર્ટ કરાયા

  • June 27, 2023 

ગુજરાતમાં ચોમાસુ હવે જામ્યુ છે જયારે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં જમાવટ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 13.45 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 67.33 ટકા થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 20.70 ટકા વરસાદ થયો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 9.29 ટકા વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 20.42 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. અહીં માત્ર 3.19 ટકા જ વરસાદ નોંધાયો છે. બિપોરજોય વાવાઝોડા બાદ વરસાદ અટકી ગયો હતો.


પરંતુ હવે રાજ્યમાં ચોમાસાની સિઝન જામી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.રાજકોટ જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ધોરાજી, જેતપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. તે ઉપરાંત વરસાદને કારણે જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક થવા પામી છે. નવસારીમાં દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવ્યાં છે. ગણદેવી તાલુકાના 13 ગામોને એલર્ટ કરી દેવાયા છે.


અંબિકા નદીમાં 13,700 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. રાજકોટની વાત કરીએ તો ઉપલેટાના મોજ ડેમમાં અડધા ફૂટ નવા નિરની આવક થવાથી ડેમની કુલ સપાટી 44.00 ફૂટ પર પહોંચી ગઈ છે. મોજ ડેમમાં હાલ 38.90 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે કચ્છમાં ભારે વરસાદને કારણે રૂકમાવતી નદી બે કાંઠે વહેતી થઈ છે. મદનપુરા કોડાય વચ્ચેની નદીમાં નવા નીર આવ્યાં છે. જેના કારણે કોડાયથી ધોકડા જવાનો માર્ગ બંધ થયો છે.


વાવાઝોડા બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ડેમમાં પાણીની સારા પ્રમાણમાં આવક થઈ છે. પરંતુ રાજ્યના 207 ડેમની વાત કરીએ તો હાલની તારીખે માત્ર 39.97 ટકા જ પાણીનો જથ્થો છે. રાજ્યમાં ઝોન પ્રમાણેના જળાશયોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 46.85, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31.45, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 33.41, કચ્છના 20 ડેમમાં 48.48, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 20.76 અને સરદાર સરોવરમાં 51.51.61 ટકા પાણીનો જથ્થો છે.


કચ્છના પાંચ ડેમ હાલમાં છલોછલ ભરાયેલા છે. રાજ્યના 4 ડેમ હાલમા હાઈ એલર્ટ પર છે. જ્યારે એક ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. વોર્નિંગ પર બે ડેમ છે. ચાર ડેમમાં 90 ટકા પાણીનો જથ્થો છે. એક ડેમમાં 80 ટકાથી વધુ પાણી છે. બે ડેમ એવા છે જેમાં 70 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે 199 ડેમમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે. નખત્રણાનો ગજનસર ડેમ, મુંદ્રાનો કાલાઘોડા ડેમ, અબડાસાનો કંકાવટી ડેમ, માંડવીનો ડોન ડેમ પણ છલોછલ ભરાયેલો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application