હવામાન વિભાગના જણાવ્યા અનુસાર (Weather Update) દેશનાં મોટાભાગના રાજ્યોમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની સંભાવના છે. એટલું જ નહીં અનેક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્યતા છે. રાજધાની દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જ્યારે કેટલીક જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે. આજે હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી, બિહાર સહિત અન્ય રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. શનિવારે દિલ્હી-NCRમાં વરસાદ બાદ ગરમી અને ઉકળાટથી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાનીમાં હળવો અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. શનિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું. મહારાષ્ટ્રનાં નાગપુરમાં પૂર બાદ સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ચૂકી છે, જેના કારણે 10 હજાર ઘરોને નુકસાન થયું છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પીડિતોને વળતરની જાહેરાત કરી છે. IMDએ નાગપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ, આંતરિક કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડના ભાગો, મહારાષ્ટ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. IMDની આગાહી અનુસાર, આજે પશ્ચિમ આસામ, મેઘાલય, દક્ષિણ મધ્યપ્રદેશ, પૂર્વી ગુજરાત, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500