ભારે વરસાદના કારણે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓ પાણીમાં જળમગ્ન બન્યા છે. હવામાન વિભાગે આજે બપોરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપતાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 23 રાજ્યોમાં વરસાદ થવાની આગાહી છે. ગુજરાતના સુરત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે, પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતાં લોકોને અપીલ કરી છે કે, તેઓ ઘરની બહાર નીકળતા પહેલાં આઇએમડીની લેટેસ્ટ અપડેટ અવશ્ય ચકાશે, નહીં તો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલ વરસાદના કારણે 200થી વધુ ગામડાંઓ પાણીમાં ડૂબી ગયા છે.
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છેલ્લા 3 દિવસથી વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. પૂરના લીધે અનેક જિલ્લાઓ ડૂબી ગયા છે. આંધ્રપ્રદેશમાં 17 અને તેલંગાણામાં 16 લોકો સહિત આશરે 33 લોકોના મોત થયા છે. 400થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે અને 140 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર આંધપ્રદેશમાં આશરે સાડાચાર લાખ લોકો પૂરગ્રસ્ત થયા છે. 100થી વધુ રાહત કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. વિજયવાડા, ગુંટુર, કૃષ્ણા, એલુરૂ, પાલનાડુ, બાપટલા, પ્રકાશમમાં પૂરથી મોટાપાયે તારાજી સર્જાઈ છે. બચાવ કામગીરી માટે એસડીઆરએફ અને એનડીઆરએફની 40 ટીમ તૈનાત કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વીજ સેવા ખોટવાઈ ગઈ છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સેનાની ત્રણ પાંખોને હેલિકોપ્ટર, ડ્રોન, બોટ અને ટ્રેક્ટર્સ મારફત રાહત સેવાઓ પહોંચાડવા નિર્દેશ કર્યો છે. પૂરના લીધે તેલંગાણાને ત્રણ દિવસમાં 5438 કરોડનું નુકસાન થયુ છે. અતિભારે વરસાદને કારણે ગુજરાતમાં પણ પૂર આવ્યું હતું. 200થી વધુ તાલુકાઓ પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. હવામાન વિભાગે આગામી 3 દિવસ ફરીથી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યની 10 નદીઓ અને 100થી વધુ તળાવો છલકાઈ ગયા છે. 100થી વધુ રસ્તાઓ બ્લોક છે. માત્ર વડોદરામાંથી જ 20 હજાર લોકોને બચાવીને રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 8 જિલ્લા ચંબા, કાંગડા, મંડી, શિમલા, સિરમૌર, સોલન, કુલ્લુ, કિન્નૌરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વાદળો અને વરસાદ પડશે. નેશનલ હાઇવે સહિત 100થી વધુ રસ્તાઓ પહેલેથી જ બ્લોક છે. આ વર્ષે અત્યાર સુધીમાં કમોસમી વરસાદના કારણે અલગ-અલગ અકસ્માતમાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500