Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Rain Update : છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 169 તાલુકામાં વરસાદ, પાટણ શહેરનાં નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યા

  • July 31, 2024 

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગત 24 કલાકમાં રાજ્યનાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પાટણમાં 5.1 ઇંચ, સરસ્વતીમાં 4.5 અને અબડાસામાં 4.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પાટણ શહેર સહિત જિલ્લામાં મંગળવારે મેઘરાજાએ મહેરબાની કરી હોય તેમ વહેલી સવારથી જ વરસાદે વરસવાનું શરુ કરતાં શહેરના નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યા હતા.


બે દિવસથી મેધમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે વાવેતર કરાયેલા પાકને જીવતદાન મળ્યું હોઈ ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પાટણ શહેર સહિત જિલ્લામાં મંગળવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદે ધડબડાટી બોલાવતાં માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. નાના મોટા સૌએ વરસાદમાં પલળવાની મજા માણી આનંદ વ્યકત કર્યો હતો. પાટણ પદ્મનાભ ચાર રસ્તા નજીકની કેનાલમાં ગાબડું પડતાં આ વિસ્તારની 15થી વધુ સોસાયટીમાં પાણી ફરી વળતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.


જોકે આ પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા તાત્કાલિક જેસીબી મશીનની મદદથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો શહેરના મહાદેવનગર વિસ્તારમાં ભરાયેલ પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા ફાઈટર મશીનની મદદથી પાઇપ મારફતે ગુરુનગરમાંથી કર્મભૂમિ માર્ગ પરની ચેમ્બર દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમ્યાન પાલિકા પ્રમુખ સહિતના નગર સેવકો સ્થળ પર હાજર રહ્યા હતા. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત બીજા દિવસે પડેલા વરસાદની આંકડાકીય માહિતી આપતાં ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વહેલી સવારથી સાંજ સુધીમાં પાટણમાં 78, સાંતલપુર 63, રાધનપુર 59, સિદ્ધપુર 24, હારીજ 15, સમી 35, ચાણસ્મા 37, શંખેશ્વર 30, સરસ્વતી 92 મી.મી. વરસાદ નોંધાયો હતો. તો સીઝનનો કુલ વરસાદ જિલ્લામાં 240 મી.મી. જેટલો નોંધાયો હોવાનું ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application