જે ઉંમરે લોકો ઘરે આરામ કરે છે ત્યારે કેરલાના આ અમ્મા કાર ચલાવે છે. વાત અહીં પૂરી થતી નથી. આ અમ્મા માત્ર કાર જ નહીં બુલડોઝર, ટ્રક, ટ્રૅક્ટર, મોટી ટ્રૉલીઓ સહિત અનેક વાહનો ચલાવે છે. આજે અમ્મા પાસે વિવિધ કૅટેગરીનાં ૧૧ ડ્રાઇવિંગ લાઇસન્સ છે. તમારી પાસે એક કે બે કૅટેગરીનાં લાઇસન્સ હોઈ શકે છે, પરંતુ કેરલાનાં રાધામણિ અમ્મા પાસે ૧૧ કૅટેગરીનાં લાઇસન્સ છે.
રાધામણિ હાલમાં ૭૧ વર્ષનાં છે. એવો દાવો થઈ રહ્યો છે કે રાધામણિ ભારતનાં એકમાત્ર મહિલા છે જેમની પાસે ૧૧ પ્રકારનાં વાહનોનાં લાઇસન્સ છે. તેમની પાસે જેસીબી અને ક્રેન સહિત અનેક પ્રકારનાં વાહનોનાં લાઇસન્સ છે. આ વાહનોમાં ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલરથી લઈને મોબાઇલ ક્રેન, રફ ટ્રેન ક્રેન, અર્થમૂવર, ફોર્કલિફ્ટ અને ટ્રેલર જેવાં ભારેખમ વાહનોનો સમાવેશ છે. માત્ર લાઇસન્સ-પેપર છે એવુંય નથી, આજે પણ તેઓ આ બધું જ ચલાવે છે. અમ્મા સૌપ્રથમ કાર ચલાવતાં શીખ્યાં હતાં જેને માટે તેમને ૧૯૮૧માં લાઇસન્સ મળ્યું હતું. એ પછી તેઓ લારી ચલાવતાં શીખ્યાં. ત્યાર બાદ તેમણે ઘણા પ્રકારનાં વાહનો ચલાવ્યાં હતાં. ૧૯૮૮માં પહેલી વાર બસ અને લૉરી બન્ને માટે લાઇસન્સ લીધું હતું. તેમના પતિ થોપ્પુમપાડીમાં એ ટુ ઝેડ ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા હતા અને તેમણે જ રાધામણિને ડ્રાઇવિંગ માટે પ્રોત્સાહિત કર્યાં હતાં.
એ પછી તો ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખવાતાં તમામ વાહનો અમ્મા શીખી ગયાં. ૨૦૦૪માં તેમના પતિના અવસાન બાદ રાધામણિએ ડ્રાઇવિંગ સ્કૂલ ચાલુ રાખી છે અને હવે તેઓ વાહન ચલાવવા ઉપરાંત ચલાવતાં શીખવે પણ છે. સ્કૂલ ચલાવવામાં હવે તેમના બે પુત્રો, પુત્રવધૂ અને પૌત્ર પણ સાથ આપે છે. રાધામણિ અમ્મા કહે છે કે કન્ટેનર ટ્રેલર ચલાવવું ચૅલેન્જિંગ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500