Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડને દસ મીટર પહોળો કરવાની કામગીરી પણ શરૂ થશે

  • October 19, 2022 


ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસકાર્યો લોકોને અર્પણ કરવા જઇ રહ્યા છે. આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં તેઓ પાણી પુરવઠાની યોજનાઓ તેમજ  ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તે સિવાય સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડતા રોડને પહોળો કરીને ત્યાં જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પરિવહન અને પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવતા પ્રવાસીઓને વધુ સવલતો મળશે અને સ્થાનિક રોજગારીમાં વધારો થશે. કુલ રૂ.2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. 




20 ઓક્ટોબર 2022ના રોજ તાપી તથા નર્મદા જિલ્લામાં રૂ.302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની  ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે 5 કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે.  અન્ય એક મહત્વપૂર્ણ વિકાસકાર્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે, કુલરૂ.1669 કરોડના ખર્ચે આ સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. 




પ્રવાસીઓ ઉકાઈ ડેમ, કુદરતી સૌંદર્ય અને ધોધની મજા માણી શકશે

સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ રસ્તો 237 કિમીનો છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 92 કિમી લંબાઇ પર કામગીરી કરવામાં આવશે. આ રોડ યોગ્ય રીતે વિકસિત થઇ જાય, ત્યારબાદ પ્રવાસીઓ  સાપુતારા, શબરીધામ, ઉકાઈ ડેમ, દેવમોગરા, ઝરવાણી ધોધ જેવા પ્રવાસન સ્થળોની મજા માણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકશે. તેના લીધે સ્થાનિક સ્તરે રોજગારીમાં પણ વધારો થશે. તેના લીધે મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ગામો સાથે પણ સંપર્ક વધશે. 






તાપી જિલ્લામાં વિકાસની અવિરત યાત્રા, છેવાડાના માનવીને સરકારનો સાથ

આદિજાતિના લોકોનો સર્વાંગી વિકાસ થાય અને પાયાની સુવિધા મળી રહે તે માટે સરકારે અવિરત પ્રયાસો કર્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં તાપી જિલ્લામાં કુલ 42,763 કુટુંબોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ 2016થી 2022 દરમિયાન જિલ્લામાં કુલ 7401 લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા છે. સમાજ સુરક્ષા માટે વર્ષ 2002માં રૂ.65 કરોડનું બજેટ હતું, જેની જોગવાઇ વર્ષ 2022માં વધારીને રૂ.1497 કરોડ કરવામાં આવી છે. આગામી સમયમાં તાપી જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાનું આયોજન છે. આ રીતે છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચાડવા માટે રાજ્ય સરકારે વિવિધ સ્તરે કામગીરી કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application