વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 14 મે’નાં રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા તેઓ 13મી મે’ના રોજ વારાણસીમાં રોડ શો યોજાશે. વારાણસી લોકસભા બેઠક પર પહેલી જૂને મતદાન થશે. આ દરમિયાન વારાણસીમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ મેના બીજા સપ્તાહથી વારાણસી પહોંચવાનું શરૂ કરશે અને નાની જાહેર સભાઓ કરશે. તેઓ પન્ના પ્રમુખો સાથે બેઠકો, મતદારોનો સંપર્ક અને સમાજના વિવિધ લોકો સાથે બેઠક પણ યોજશે.
મળતા અહેવાલો મુજબ ભાજપે ઉત્તરપ્રદેશની વારાણસીમાં ચૂંટણી પ્રચાર માટે દિગ્ગજ નેતાઓની યાદી બનાવવાની શરૂ કરી દીધી છે અને કાર્યકર્તાઓ પાસે પણ યાદી માંગવામાં આવી રહી છે. વડાપ્રધાનના રોડ શોને ભવ્યરૂપ આપવા માટે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાતથી આવેલા જગદીશ પટેલે બેઠકો શરૂ કરી દીધી છે. આમાં મહિલા મોર્ચો પણ મોટી ભૂમિકા નિભાવશે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનના રોડ શો કાર્યક્રમ અને ઉમેદવારી ફોર્મ ભરવાના કાર્યક્રમ દરમિયાન મહિલાઓનું ગ્રૂપ, બાઈકો સાથે યુવાઓનું ગ્રૂપ અને ભાજપના ઘણા કાર્યકરો ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત ભાજપના ટોચના નેતાઓ પણ તારીખ 13મી મેએ વારાણસી પહોંચી જશે. ત્યારબાદ આ નેતાઓ મતદાન દિવસ સુધી ત્યાં ચૂંટણી પ્રચાર કરતા રહેશે. વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય ચૂંટણી મેદાનમાં છે. જ્યારે બહુજન સમાજ પાર્ટી (BSP)એ સૈયદ નિયાજ અલી મંજૂને ટિકિટ આપી છે. અગાઉ બસપાએ અતહર જમાલ લારીને ટિકિટ આપી હતી, પરંતુ તેમની ટિકિટ કાપી હવે સૈયદ નિયાજને ટિકિટ આપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500