તાજેતરમાં ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર યોજના અંતર્ગત ગુજરાત રાજ્યનો રાજ્યકક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ કેટેગરીમાં વિજેતા બનેલી સ્કુલોનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ અગાઉ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાં ઓવરઓલ કેટેગરીમાં તાપી જિલ્લાની ૮ સ્કુલોની પસંદગી સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે અન્ય કેટેગરીમાં કૂલ- ૨૯ સ્કુલોની પસંદગી કરવામાં આવી હતી. આ ૨૯ શાળાઓ પૈકીની હેન્ડ વોશ કેટેગરીમાં ડોલવણ તાલુકાની સરકારી માધ્યમિક શાળાની રાજ્ય કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી.
સ્વચ્છ ભારત- સ્વચ્છ વિદ્યાલય અંતર્ગત રાજ્યકક્ષાએ પસંદગી પામેલી સર્વશ્રેષ્ઠ શાળાઓને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. આ માટે સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી દ્વારા આયોજીત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર કાર્યક્રમમાં રાજયના શિક્ષણમંત્રીશ્રી જિતુભાઇ વાધાણીના અધ્યક્ષસ્થાને અને રાજયકક્ષાના મંત્રીશ્રી કિર્તિસિંહ વાધેલા, શિક્ષણ સચિવ ડૉ.વિનોદભાઇ રાવના હસ્તે વિજેતાઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં રાજય કક્ષાએ તાપી જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ડોલવણની સબ કેટેગરીમાં પસંદગી થતા શાળાને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન એનાયત કરવામાં આવ્યું છે. આ સબ કેટેગરીમાં પાણી, શૌચાલય, સાબુથી હાથ ધોવા, જાળવણી અને મરામત, વ્યવહાર પરિવર્તન અને ક્ષમતાવર્ધન તથા કોવિડ-૧૯ પૂર્વ તૈયારી અને પ્રતિસાદ જેવા પાંસાઓના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સમગ્ર રાજયમાં તાજેતરમાં સ્વચ્છતા પખાવાડાની ઉજવણી દરમિયાન વિવિધ પ્રવૃતિઓ અને સ્પર્ધાઓમાં વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓનું પણ ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં તાપી જિલ્લાની પ્રાથમિક શાળા પેથાપુર તા.ઉચ્છલની ધો-૬ માં અભ્યાસ કરતી ધૃવિકાબેન કે. ગામીતનો સમગ્ર રાજ્યમાં સ્લોગન લેખનમાં બીજો નંબર આવ્યો હતો.તાપી જિલ્લાને રાજ્યકક્ષાએ નામના અપાવનાર ડોલવણ માધ્યમિક શાળા અને વિદ્યાર્થિનીને સમગ્ર જિલ્લા તંત્ર તાપી તથા શિક્ષણ પરિવાર તાપી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500