આગામી તા. ૧૭ એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર-ગુજરાત અને તમિલનાડુની સાંસ્કૃતિક અનુબંધને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં તમિલનાડુના મહેમાનોને આવકારવા ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તૈયારીઓ થઈ રહી છે. સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચે સદીઓ જૂનો પુરાણો નાતો છે. સૌથી મોટી ગણવામાં આવતી હિજરતમાની એક એટલે આપણા સૌરાષ્ટ્રવાસીઓનું તામિલનાડુમાં હિજરત થવું. ભારત વર્ષના તમિલનાડુ રાજ્યમાં ૨૫ લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાની જૂની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ તેમજ પોતાના સૌરાષ્ટ્ર વિસ્તારની પરંપરા અને વારસાને અકબંધ રાખી નિવાસ કરી રહ્યો છે.
૧૦૨૪ની સાલમાં મોહમ્મદ ગઝનીના આક્રમણ સમયે દરિયાઈ માર્ગે સોમનાથ પ્રભાસ પાટણ, વેરાવળથી અને આજુબાજુના વિસ્તારમાંથી સામુહિક સ્વરૂપે વસતા સૌરાષ્ટ્રવાસીઓ દરિયાઈ માર્ગે હિજરત કરી ખંભાત, સુરત અને ત્યારબાદ વિજયનગર સામ્રાજ્યમાં આશરો લઈ રહ્યા હતા. વિજયનગરના પતન બાદ રેશમ વણાટ કામ અને અન્ય હસ્તકલાઓમાં કૌશલ્ય ધરાવતા આ સમુદાયને મદુરાઈના રાજવંશ મહારાજાએ રાજ્યાશ્રય આપ્યો હતો. ૧૫૦૦ની સાલથી આ સમુદાય મદુરાઈ તેમજ આજુબાજુના વિસ્તારની અંદર સ્થાયી થયો છે.
વર્ષોથી તમિલનાડુમાં વસેલા આ સૌરાષ્ટ્રવાસીઓ આજે પણ સૌરાષ્ટ્રના રિતીરિવાજ, લગ્ન વિધિ પરંપરા, યજ્ઞ, ભજન સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસાને જાળવીને પણ ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. ૧૨૦૦ વર્ષ પછી આજે આ સમુદાયએ તમિલનાડુમાં સૌરાષ્ટ્રવાસી તમિલ તરીકે પોતાની ભૂમિ, ભાષા, સંસ્કૃતિ, સાહિત્ય, વણાટ કલા સર્વેનો વારસો જાળવી તમિલનાડુમાં દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. તેણે પોતાની તમામ પ્રકારની સૌરાષ્ટ્રવાસી તરીકેની પ્રણાલિકાઓ અખંડ રીતે જાળવી રાખી છે. પોતાની વૈદિક સંસ્કૃતિને બચાવવા દરિયાઈ માર્ગે હિજરત કરીને તમિલનાડુ ગયેલા આ સૌરાષ્ટ્રવાસીઓ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી ફરી સૌરાષ્ટ્રમાં ભગવાન સોમનાથની નિશ્રામાં એકઠા થવાના છે.
સૌરાષ્ટ્રીયન તમિલ લોકો મુખ્યત્વે ચેન્નાઈ, મદુરાઈ, ડીંડીગુલ, પરમાકુડી, સાલેમ, કુમ્બકોણમ, તન્જાવુર, તિરૂનેલવેલી અને ત્રિચી શહેરની આજુ-બાજુમાં સ્થાયી થયા હતા. આ સમુદાયના લોકો રેશમ કાપડની વણાટની કળામાં ખુબ જ પારંગત હતા, આજે પણ તેમની આ કલાની નોંધ સમગ્ર દેશમાં લેવાય છે. આ સમુદાયને ફરીથી વર્તમાન ગુજરાત સાથે જોડવાના પ્રયત્નો ૨૦૦૫થી કરવામાં આવી રહ્યા હતા અને ૨૦૧૦ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મદુરાઈ ખાતે વિરાટ સૌરાષ્ટ્ર સંગમનું આયોજન કરેલું હતું. પણ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આવો અભૂતપૂર્વ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પના અને તેમની જન સમુદાયને પોતાના મૂળ સાથે જોડવાની પરિકલ્પના આ કાર્યક્રમથી મૂર્તિમંત થવા જઈ રહી છે.
આ કાર્યક્રમ ૧૭ એપ્રિલથી પ્રારંભ થનાર છે. જેના થકી પુન: આપણી સંસ્કૃતિમાં નવી ચેતના ઉમેરાશે. આ સૌરાષ્ટ્ર–તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતો જે આપણા સૌરાષ્ટ્ર અને ત્યાં પણ રમાય છે તેવી વિવિધ રમતો રમવાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ બિઝનેસ, ટેક્સટાઇલ જેવા વિવિધ સેમીનારો પણ યોજવામાં આવશે. ઉપરાંત જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. તમિલનાડુના મહેમાનો દ્રારકા અને નાગેશ્વર અને શિવરાજપુર બીચની પણ મુલાકાત લેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના આઠ મંત્રીઓ તમિલનાડુના આઠ વિવિધ સ્થાનો પર આમંત્રણ આપવા ગયા હતા ત્યારે ત્યાં સૌરાષ્ટ્ર તમિલ સમુદાયમાં ગુજરાત આવવાનો, પોતાના મૂળ સાથે જોડાવા માટેનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર મંત્રી તરીકે નહીં પણ એક ગુજરાતી તરીકે પણ ખૂબ આદર સત્કાર અને આવકારનો ભાવ મળ્યો હતો ત્યારે તમિલનાડુથી આવતા આ ભાઈઓ-બહેનોને આદરભાવથી આવકારી સૌરાષ્ટ્રના આતિથ્યભાવ સાથે આવકારવામાં આવશે. આમ, સૌરાષ્ટ્ર –તમિલ સંગમ કાર્યક્રમથી એક ભારત, શ્રેષ્ઠ ભારતની પરિકલ્પાના ચરિતાર્થ થશે.
તા.૧૭ મીએ તમિલ મહેમાનોનું વેરાવળ રેલ્વે સ્ટેશને સ્વાગત આગામી તા.૧૭ મી એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત મહેમાનોની પ્રથમ બેચનું વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરાશે. બાદમાં સોમનાથ મંદિર પરિસરમાં મુલાકાત તેમજ દર્શન અને મ્યુઝિયમ મુલાકાત તેમજ રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થશે.ઉપરાંત સાસણ ગીરની મુલાકાત તેમજ દ્વારકા નાગેશ્વર શિવરાજપુર બીચ સહિતના સ્થળોએ મુલાકાત લેશે એક ટીમ સોમનાથમાં બે દિવસ અને પછીના દિવસે દ્વારકા જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકીમનાં બોલાવ ગામેથી ૧.૮૫ લાખનાં ઘરેણાંની ચોરી થઈ
April 04, 2025