દિલ્હીમાં આ વર્ષે પણ દિવાળી ઉપર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જોકે તેમ છતા અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નિયમોનો ભંગ કરીને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેને પગલે દિલ્હી અને આસપાસનાં વિસ્તારોમાં પ્રદુષણ અચાનક જ વધી ગયું હતું અને એરક્વોલિટી સાવ ખરાબ કેટેગરીમાં પહોંચી ગઇ હતી. જોકે ગયા વર્ષે દિવાળી બાદ જે પ્રકારે પ્રદુષણ વધ્યું હતું તેના કરતા આ વર્ષે પ્રમાણ ઘટયું હતું. મંગળવારે સવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) 326 હતો.
જ્યારે દિલ્હી નજીકનાં શહેરો જેમ કે, ગાઝિયાબાદમાં એક્યુઆઇ 285, નોઇડામાં 320, ગ્રેટર નોઇડામાં 294, ગુરુગ્રામમાં 315, ફરિદાબાદમાં 310 રહ્યો. એટલે કે દિલ્હીમાં એરક્વોલિટી સૌથી ખરાબ રહી. જેનું એક મુખ્ય કારણ દિવાળીનાં દિવસે અને રાત્રે ફોડવામાં આવેલા ફટાકડા માનવામાં આવે છે. એરક્વોલિટીની કેટેગરી પર નજર કરીએ તો એક્યુઆઇ 0 થી 50 હોય તો સારી કેટેગરી, 51થી 100 હોય તો સંતોષકારક, 101થી 200 હોય તો મધ્ય, 201થી 300 હોય તો ખરાબ અને 301થી 400 હોય તો વધુ ખરાબ જ્યારે 401થી 500 હોય તો અત્યંત ખરાબ માનવામાં આવે છે. તેથી હાલ દિલ્હીની એરક્વોલિટી 326 રહી જે વધુ ખરાબ કેગેટરીમાં આવે છે.
દિલ્હીમાં સરકાર દ્વારા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જોકે પ્રતિબંધ છતા અનેક વિસ્તારોમાં દિવાળીની રાત્રે મોટી સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડયા હતા અન્ય રાજ્યો પર પણ પ્રદુષણની અસર જોવા મળી રહી છે. જેમ કે પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં એરક્વોલિટી ખરાબથી અત્યંત ખરાબ કેટેગરીમાં રહી હતી. આ ડેટા સેન્ટ્રલ પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા આપવામાં આવ્યા હતા. ખાસ કરીને હરિયાણાના ગુરુગ્રામ અને પંજાબનાં લુધિયાણામાં સ્થિતિ વધુ ખરાબ જોવા મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500