તાપી જિલ્લાનાં વ્યારાની સરકારી હોસ્પિટલનાં ખાનગીકરણને અટકાવવામાં આવે અને હોસ્પિટલમાં ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા સાથે ટેક્નિકલ સ્ટાફની ખાલી જગ્યાની પૂર્તતા કરી આરોગ્ય સેવા વધુ સુદ્દઢ બનાવવાની માંગણી સાથે જાગૃત નાગરિકોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તાપી જિલ્લાની વ્યારા સ્થિત સરકારી હોસ્પિટલમાં જિલ્લામાંથી તેમજ પાડોશી રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે આ હોસ્પિટલના ખાનગીકરણ કરવા અંગે વિતેલા દિવસોમાં ચાલી રહેલી હિલચાલ મુદ્દે ઉગ્ર વિરોધ ઉઠયો હતો.
ફરીથી હોસ્પિટલ બચાવ સમિતિનાં જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું છે કે, ગત તારીખ ૧૩/૯/૨૦૨૩નાં રોજ વ્યારા જનરલ હોસ્પિટલનાં ખાનગીકરણનાં વિરોધ માટે અધિકાર રેલી અને મહાસંમેલન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ જિલ્લા પ્રભારી મંત્રી, ધારાસભ્યોને રજૂઆત તેમજ ધારાસભ્યો સાથે તાપીની ૧૭ સભ્યોની ટીમે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ સાથે ગાંધીનગર રૂબરૂ મુલાકાત લીધી હતી. તે દરમિયાન વ્યારાની હોસ્પિટલનું ખાનગીકરણ નહીં કરવા બાબતે ચર્ચા કરી હતી એ બાબતે પાછળથી લેખિતમાં જાણ કરવામાં આવશેની બાંહેધરી આપી હતી, જે લેખિતમાં જવાબ આજદિન સુધી મળ્યો નથી.
જે બાંહેધરી લેખિતમાં આપવામાં આવે તેવી માંગણી કરી છે તેમજ સરકારી હોસ્પિટલ સરકારી જ રાહે ચાલે અને ખૂટતી સુવિધાઓ તેમજ ટેકનિકલ સ્ટાફની જગ્યા ભરવામાં આવે, જેથી તાપી જિલ્લાની ગરીબ જનતાને બહારની લેબોરેટરીમાં, ઈમેજિંગ સેન્ટરમાં જવાની નોબત ન આપે. જો એકમાત્ર સરકારી જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ થાય તો તાપીના અંતરિયાળ ગામોની ગરીબ જનતાને આરોગ્ય સેવા મેળવવામાં અનેક સંઘર્ષો કરવા પડશે. તાપી જિલ્લો અનુસૂચિ ૫માં આવતો શિડ્યૂલ વિસ્તાર છે તો આ વિસ્તારમાં સરકારે કોઈપણ પ્રકારની કામગીરી માટે ગ્રામસભાની પરવાનગી લેવી જરૂરી છે. જો ગ્રામસભાનો ભંગ થતા જણાઈ આવે તો જે અંગે કાયદેસરની કાર્યવાહીની ફરજ પડશેનું આવેદનમાં જણાવ્યું છે. જો દિન-૭માં સરકાર તરફથી ખાનગીકરણ અટકાવવા બાબતે જો કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં ન આવે તો ગામેગામથી નોન જ્યુડિશિયલ રીતે ન્યાય મેળવવા આંદોલન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500