નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે નદીઓ ગાંડીતૂર બની હતી. જોકે, હાલ પૂર્ણા નદીનાં જળસ્તરમાં ઘટાડો નોંધાતા તંત્ર સહિત લોકોએ રાહત અનુભવી હતી. પૂર્ણા નદી ભયજનક સપાટીથી એક ફૂટ નીચે આવી છે. જિલ્લાની ત્રણેય નદીઓ હાલ ભયજનક સપાટીથી નીચે વહી રહી છે. જેમાં પૂર્ણા નદીની વાત કરવામાં આવે તો ભયજનક 23 ફૂટનાં સપાટીથી હાલ નદી 22 ફૂટથી નીચે વહી રહી છે. અંબિકા નદી 28 ફૂટની ભાયજનક સપાટીની સામે 25.25 ફૂટે વહી રહી છે.
જ્યારે કાવેરી નદી 19 ફૂટની ભયજનક સપાટીએ યથાવત છે. જિલ્લામાં અત્યાર સુધી 15 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. નવસારીનું કેચમેન્ટ એરિયા ડાંગ જિલ્લો છે. જેમાં 24 કલાકમાં નોંધપાત્ર રીતે વરસાદમાં ઘટાડો નોંધાતા નદીઓમાં નવા નીરની આવક ધીમી પડી હતી. જેને કારણે પૂરનું સંકટ આંશિક રીતે ઘટ્યું છે. ડાંગ જિલ્લામાં 24 કલાકમાં એક ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાતા નવસારી જિલ્લા માટે આ સમાચાર રાહત રૂપ કહી શકાય તેમ છે.
નવસારી જિલ્લામાં ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાની મુખ્ય ત્રણ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા ચાર દિવસથી લોકોને સ્થળાંતરિત અને રેસ્ક્યૂ કામગીરી સતત ચાલી રહી હતી. જોકે, આજે રાહતનો સૂર્યોદય થયો છે. ગણદેવી તાલુકાની વાત કરવામાં આવે તો હજી પણ રેસ્ક્યૂની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લામાં પૂરને કારણે સૌથી વધુ સ્થળાંતરિત ગણદેવી અને ચીખલી તાલુકામાં કરવામાં આવ્યું હતું. ત્યારે હજુ રેસ્ક્યૂની કામગીરી NDRF દ્વારા ગણદેવી તાલુકામાં કાર્યરત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500