રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે બાંયો ચઢાવી છે. પરંતું ઉમેદવાર બદલવાની લડાઈ હવે નવો વળાંક લઈ રહી છે. રૂપાલાની નિવેદનબાજીથી શરૂ થયેલા વિવાદમાં હવે ક્ષત્રિયોની લડાઈ શરૂ થઈ છે. રૂપાલાના નિવેદનના વિવાદ પર ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડ્યા છે. રૂપાલાએ ફરી માફી માંગ્યા બાદ પણ વિવાદ યથાવત છે. હિંદુ કરણી સેના રૂપાલાની ટિકિટ રદ કરાવવા અડગ છે. કરણ સેનાએ ગઈકાલે મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવ્યું છે. સાથે જ જયરાજસિંહે કરાવેલા સમાધાનને અયોગ્ય ગણાવાયું છે.
તો બીજી તરફ, કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અને માફી મામલે હવે ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડી ગયા છે. ગઈકાલે જે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું તેને હિંદુ કરણી સેનાએ ભાજપ પ્રેરિત ગણાવ્યું. સાથે જ ફરી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, રૂપાલાની ટિકિટ રદ થાય તો જ આ મામલે સમાધાન થશે. સાથે જ હિંદુ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ એવો પણ સવાલ કર્યો છે કે, પરશોત્તમ રૂપાલા ફરી આવું નિવેદન નહીં આપે તેની ખાતરી શું છે? સાથે જ તેમણે કહ્યું કે, જયરાજસિંહ એટલે આખો સમાજ નથી, જેથી આ સમાધાન યોગ્ય નથી.
આમ, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણી પછી વિવાદ ફેલાયો છે. પરંતુ આ આગની જ્વાળા હવે ક્ષત્રિય સમાજના લોકોને અંદરોઅંદર ભડકો કરાવી રહી છે. ક્ષત્રિયો વિશેના વિવાદિત નિવેદન બાદ પરશોત્તમ રૂપાલાએ જાહેરમાં બે-બે વખત માફી માગી જતાં વિરોધનો વંટોળ ઓછો નથી થઈ રહ્યો. જયરાજસિંહની આગેવાનીમાં મળેલી બેઠક બાદ પણ કરણી સેના લડી લેવાના મૂડમાં છે. કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિંમતસિંહ જાડેજાએ કહ્યુ છે કે ક્ષત્રિય સમાજ ગોંડલને ભૂલી જાય, જયરાજસિંહ જાડેજાને ભૂલી જાવ... એ ભાજપી છે અને પક્ષ પ્રેમી છે. તેઓ સમાજ કરતા તો પક્ષને માતા-પિતા અને ભાઈ-બહેન માને છે. જયરાજસિંહ કંઈ એકલા જ ક્ષત્રિય નથી કે એ જાહેર કરે એ માની લેવાનું. જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાઈ ત્યાં સુધી લડત ચાલુ છે અને ચાલુ જ રહેશે.
ગોંડલથી ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં તેમનો વિરોધ કરતા લોકોને ખુલ્લી ચેલેન્જ આપી છે. રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ગોંડલમાં મળેલી બેઠકમાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી હું કોઈ મિત્રોને જવાબ દેવા માગતો નથી પણ મારા સ્વભાવ મુજબ હું લાંબી છાર વાળો ઝભ્ભો પહેરતો નથી. એટલે મારી મિત્રોને ચેલેન્જ છે કે, મીડિયામાં યુદ્ધ છોડી દો. જયરાજસિંહ રાજીનામું આપી દો, તમે ભાજપ છોડી દો આવું બધું કહેવાવાળા રહેવા દો. આ ફંક્શન જેને સારું લાગ્યું નથી તે તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ. તમારો કોઈ પણ જવાબદાર માણસ મને મળે, મને આમંત્રણ આપે. સમય તમારો, સ્થળ તમારું, તારીખ તમારી, ગાડી મારી, તમે કહો ત્યાં હું આવીશ. તમારી રૂબરૂમાં ચર્ચા કરીશ, મારા સ્વભાવથી ચર્ચા કરીશ. તમે જો મરદના દીકરા હોવ તો મને આમંત્રણ આપો નહીંતર હું તમને આમંત્રણ આપું છું. હું તમને આમંત્રણ આપું છું પણ તમે મને બોલવશો તો મજા આવશે. મને વહેલી તકે બોલાવો. જેને આવી ચટપટી હોય તે મને બોલાવે.
આ ખુલ્લી ચેલેન્જ આપી છે જયરાજસિંહ જાડેજાએ ગોંડલના મંચ પરથી તેમનો વિરોધ કરતા લોકોને. ગોંડલથી ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ખુલ્લી ચેલેન્જને કરણી સેનાની મહિલા પાંખે સ્વીકારીને વળતી ચેલેન્જ આપી છે કે જયરાજસિંહ તમે કહો ત્યાં મળવા તૈયાર છીએ. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર આપેલા વિવાદિત નિવેદન બાદ ગોંડલમાં મળેલી સમાધાન માટેની ક્ષત્રિયોની બેઠકમાં જયરાજસિંહે વિરોધ કનારાઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી તે ચેલેન્જ કરણી સેના મહિલા પાંખના પ્રમુખ પદ્મિનીબા વાળાએ સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું છે કે હું આપને મળવા માગું છું આપ કહો ત્યાં આવવા તૈયાર છું.
ગોંડલમાં જે ફંક્શન બોલાવ્યું તેમાં કેમ એન્ટ્રી ન આપી તેનો જવાબ પણ તૈયાર રાખજો. જયરાજસિંહે મરદના દીકરાઓને આપી હતી ખુલ્લી ચેલેન્જ. તે ચેલેન્જ સ્વીકારી લેવામાં આવી છે. પદ્મિનીબા વાળાએ કહ્યું- મરદના દીકરા તમે કહો ત્યાં હું મળવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ગઈકાલે ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. ગોંડલમાં જયરાજસિંહ જાડેજાએ સમાધાન માટેની બેઠક બોલાવી હતી. તો બીજી તરફ, રૂપાલાએ ગધેથડ આશ્રમમાં જઈને લાલ બાપુની પણ માફી માંગી હતી. પરંતું રૂપાલાની માફી માગવા છતાં વિરોધ યથાવત છે. કરણી સેના હજુ પણ લડી લેવાના મૂડમાં છે. કરણી સેનાનુ કહેવુ છે કે, અમને કોઈ સમાધાન મંજૂર નથી. લડત ચાલુ છે અને ચાલુ જ રહેશે. રૂપાલાની ટિકિટ રદ થાય એ જ સમાધાન.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application