પલસાણાનાં તાંતીથૈયા ગામની સીમમાંથી સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે ચોક્કસ બાતમીનાં આધારે વિદેશી દારૂનો જથ્થો ભરીને ઊભેલી કારને પોલીસે ઝડપી લીધી હતી. આમ, પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ, રોકડ અને કાર સહિત રૂપિયા 3.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમની અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહીબીશન જુગારની પ્રવુત્તિ નેસ્ત નાબુત કરવા માટે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એલ.સી.બી., પી.આઇ. દ્વારા લિસ્ટેડ બૂટલેગરો પર વોચ રાખવાની કામગીરી કરી રહ્યા હતા.
તે દરમિયાન સુરત ગ્રામ્ય એલ.સી.બી.માં ફરજ બજાવતા માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક-ગ્રે કલરની બ્રેઝા ફોર વ્હીલ કાર જેનો નંબર GJ/15/CF/9408 છે. આ કારમાં એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો દમણથી લાવી પલસાણાના તાંતીથૈયા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં સગેવગે કરનાર છે. જે ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તાંતીથૈયા ગામની સીમમાં જઈ બાતમી વાળી કાર ઝડપી લીધી હતી. જે કાર ચેક કરતા કારમાં ચોરખાનું બનાવી સંતાડેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂની 414 બોટલો મળી આવી પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉપેન્દ્ર શાહુ નામના ઇસમની અટકાયત કરી વિદેશી દારૂની બોટલો, મોબાઈલ, રોકડ અને બ્રેઝા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર સંજય રાઠોડ તેમજ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર નંદુ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500