Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામે ૫,૦૦૦થી વધુ ફોજદારી કેસો વર્ષોથી પેન્ડિંગ

  • November 10, 2023 



દેશના રાજકારણમાંથી ગુનાઈત ઈતિહાસ ધરાવતા નેતાઓને દૂર કરવાના આશયથી દેશની વિવિધ કોર્ટોમાં સાંસદો અને ધારાસભ્યો સામે વર્ષોથી પેન્ડિંગ કેસોનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે આખરે પહેલ હાથ ધરી છે. સાંસદો-ધારાસભ્યો સામેના કેસોને ફાસ્ટ ટ્રેક કરવાના આશયથી સુપ્રીમ કોર્ટે ગુરુવારે દેશની વિવિધ હાઈકોર્ટોને એક એવી વિશેષ બેન્ચ બનાવવાના નિર્દેશ આપ્યા છે, જે સાંસદો અને ધારાસભ્યો સામે ચાલી રહેલા કેસો પર નજર રાખશે. આ સાથે સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ કોર્ટોને પણ 'અત્યંત રેર અને અનિવાર્ય કારણો' સિવાય સાંસદો-ધારાસભ્યોના કેસોમાં કાર્યવાહી મૂલતવી નહીં રાખવા માટે પણ જણાવ્યું છે. 


દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામે ૫,૦૦૦થી વધુ ફોજદારી કેસો વર્ષોથી પેન્ડિંગ છે ત્યારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશો જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ માટે રાજ્યોમાં લાગુ સમાન દિશાનિર્દેશ આપવા મુશ્કેલ હતું. તેથી કલમ ૨૨૭ હેઠળ પોતાની શક્તિઓ લાગુ કરીને આવા કેસોમાં અસરકારક નિરીક્ષણ માટે ઉપાય વિકસાવવાનું કામ વિવિધ હાઈકોર્ટો પર છોડી દેવામાં આવ્યું છે. 


સાંસદો અને ધારાસભ્યો સંબંધિત કેસોની સુનાવણી કરતી દેશની વિવિધ હાઈકોર્ટો, જિલ્લા ન્યાયાધીશો અને સ્પેશિયલ કોર્ટોને અનેક નિર્દેશો આપતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે સાંસદો, ધારાસભ્યો અને વિધાનપરિષદના સભ્યો સામેના ક્રિમિનલ કેસોને અગ્રતા આપી સુનાવણી કરવામાં આવે. વધુમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાંસદો-ધારાસભ્યો વિરુદ્ધ પેન્ડિંગ ક્રિમિનલ કેસોના વહેલી તકે ઉકેલ માટે નિરીક્ષણ કરવા 'સાંસદો-ધારાસભ્યો માટે પુન: નોમિનેટ કોર્ટોમાં' મથાળા હેઠળ સુઓ-મોટો નોંધ કરે. સુઓ-મોટો કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વવાળી વિશેષ બેન્ચ અથવા તેમના દ્વારા નિયુક્ત બેન્ચ દ્વારા કરવામાં આવે.


સુઓ-મોટો કેસની સુનાવણી કરતી વિશેષ બેન્ચ જરૃર જણાય તો કેસનું નિયમિત અંતરે લિસ્ટિંગ કરી શકે છે.હાઈકોર્ટ કેસોના વહેલી તકે અને અસરકારક ઉકેલ માટે આવશ્યક આદેશ અને નિર્દેશ આપી શકે છે. વિશેષ બેન્ચ કોર્ટની મદદ માટે એડવોકેટ જનરલ અને કાઉન્સિલરને બોલાવવા અંગે વિચાર કરી શકે છે. હાઈકોર્ટે આવી કોર્ટોને વિષયગત બાબતો ફાળવવાની જવાબદારી વહન કરવા માટે એક મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશની જરૃર પડી શકે છે. હાઈકોર્ટ નિયમિત સમયાંતરે રિપોર્ટ મોકલવા માટે મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશને બોલાવી શકે છે.


નોમિનેટ કોર્ટ સાંસદો-ધારાસભ્યો વિરુદ્ધ ફાંસી અથવા આજીવન કેદની સજાવાળા ફોજદારી કેસો, ૫ વર્ષ અથવા તેનાથી વધુની સજાવાળા કેસો, અન્ય કેસોને પ્રાથમિક્તા આપશે. મુખ્ય ન્યાયાધીશ એવા કેસોનું વિશેષ બેન્ચ સમક્ષ લિસ્ટિંગ કરી શકે છે જ્યાં કેસ પર સ્ટે મૂકી દેવાયો છે, જેથી એ સુનિશ્ચિત કરવામાં આવે કે કેસની શરૃઆત કરવા માટે સ્ટેનો આદેશ હટાવવા સહિત યોગ્ય આદેશ આપવામાં આવ્યા છે.


મુખ્ય જિલ્લા અને સેશન્સ ન્યાયાધીશ નોમિનેટ કોર્ટ માટે પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સુનિશ્ચિત કરશે અને અસરકારક કામકાજ માટે એવી ટેકનિકને અપનાવવામાં પણ સક્ષમ બનાવાશે. હાઈકોર્ટ વેબસાઈટ પર એક સ્વતંત્ર ટેબ બનાવાશે, જેમાં કેસ દાખલ કરવાનું વર્ષ, પેન્ડિંગ વિષયના કેસોની સંખ્યા અને કાર્યવાહીના તબક્કાની વિગતો અંગે જિલ્લાવાર માહિતી અપાશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વિષયગત કેસોનું નિરીક્ષણ કરતી વખતે વિશેષ બેન્ચ એવા આદેશ અથવા નિર્દેશ આપી શકે છે, જે ત્વરિત ઉકેલ માટે આવશ્યક હોય. આ નિર્દેશો સાથે સુપ્રીમ કોર્ટે અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ જનહિત અરજીમાં પહેલી વિનંતીનો ઉકેલ લાવી દીધો છે.


એમિકસ ક્યુરીના તાજા અહેવાલ મુજબ ૧૪ નવેમ્બર ૨૦૨૨ સુધીમાં રાજકારણીઓ સામે ૫,૧૭૫ કેસ અને ૨,૧૧૬ ક્રિમિનલ કેસ પાંચ વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડિંગ છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. સાત વર્ષ અગાઉ રાજકારણીઓ સામે ૪,૧૧૨ કેસ પેન્ડિંગ હતા, જે હવે વધીને ૫,૧૭૫ થઈ ગયા છે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર ૨૦૨૧માં સાંસદો-ધારાસભ્યો સામે પેન્ડિંગ કેસોની કુલ સંખ્યા ૪,૯૮૪ હતી અને તેમાંથી ૧૮૯૯ કેસ પાંચ વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડિંગ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application